પેરિસઃ પીએમ મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત માટે સોમવારે પેરિસ પહોંચ્યા હતા જ્યાં તેઓ મંગળવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે.

ફ્રાન્સ સાથે વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. ત્યારબાદ તેઓ અમેરિકાના બે દિવસના પ્રવાસે જવા રવાના થશે. પીએમ મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાતે પેરિસ પહોંચ્યા હતા ત્યારે ફ્રાન્સના સશસ્ત્ર દળોના મંત્રી સેબેસ્ટિયન લેકોર્ન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ભારતીય ડાયસ્પોરાના ઘણા સભ્યો ભેગા થયા હતા અને તેમણે ‘મોદી’, ‘મોદી’ અને ‘ભારત માતાકી જયના જોરદાર નારા સાથે વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.ઉષ્માભર્યા સ્વાગત બદલ પીએમ મોદીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને તેને યાદગાર સ્વાગત ગણાવ્યું હતું. તેમણે અહીં વસતા ભારતીય સમુદાયની સિદ્ધિઓ અને અવિરત સમર્થન બદલ પ્રશંસા કરી હતી.
પીએમ મોદીએ પેરિસમાં યોજાયેલા રાત્રિ ભોજન સમારોહમાં પણ હાજરી આપી હતી જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું આલિંગન આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પીએમ મોદી યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા હતા. તેઓ પણ AI સમિટ માટે ફ્રાન્સમાં આવ્યા છે.મંગળવારે પીએમ મોદી પેરિસમાં યોજાનારા AI શિખર સંમેલનમાં પણ હાજરી આપશે. આ સમિટમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સથી લઈને ચીનના ઉપરાષ્ટ્રપતિ સહિતના વિશ્વભરના અનેક ઉચ્ચ પ્રોફાઈલ નેતાઓએ ભાગ લીધો છે. AI અંગેના આ પેરિસ સમિતનો ઉદ્દેશ્ય વૈશ્વિક ગવર્નન્સ મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જેથી AIને વધુ સમાવિષ્ટ બનાવી શકાય અને વિશ્વભરના વપરાશકર્તા ઓ માટે સલામત અને પારદર્શક AI સુનિશ્ચિત કરી શકાય.
Reporter: admin







