News Portal...

Breaking News :

સરકારી કચેરીઓની અંદર-બહાર એજન્ટ રાજ

2024-05-23 15:24:55
સરકારી કચેરીઓની અંદર-બહાર એજન્ટ રાજ




  પૈસા ફેંકો અને કામ કરાવોના મંત્રને અનુસરતા આ એજન્ટો કામ પ્રમાણે કિંમત વસૂલી લાઈનમાં ઊભા રહેવાની જહેમત વગર જોઈતું પ્રમાણપત્ર કે દાખલો લાવી આપે છે...
   

   ગુજરાત સરકારે વહીવટમાં આઈ.ટી.નો વિનિયોગ કરતા,વિવિધ વિભાગોને લગતા લોકોના કામો સરળતા થી એક જ સ્થળે થાય અને અરજદારોને વિવિધ કચેરીઓમાં આંટાફેરા ના મારવા પડે એવા ઉમદા આશય સાથે જનસેવા કેન્દ્રો શરૂ કર્યા છે.
   વડોદરા કલેકટર કચેરીમાં લગભગ ૧૯૮૦ પછી એટલે કે ૯૦ ના દશક ની શરૂઆતમાં તત્કાલીન કલેકટર શ્રી અશોક ચાવલા એ વિવિધ કામો માટે એક બારીની વિભાવના હેઠળ સિંગલ વિન્ડો સિસ્ટમ એટલે કે એકબારી પદ્ધતિની ક્રાંતિકારી શરૂઆત કરી હતી.
   હજુ પણ સરકારના વિવિધ વિભાગો અને સંસ્થાઓમાં આ પદ્ધતિ આઈ.ટી. નો વિનિયોગ કરીને વર્તમાન સમયની માંગ પ્રમાણે કાર્યરત છે.
   


અનેક ઝુંબેશો બાદ પણ એજન્ટરાજ યથાવત...

તે પછી વડોદરાની કલેકટર કચેરીમાં જ તત્કાલીન કલેકટરશ્રી અનિલ મુકીમે ઇન્ફોર્મેશન ગેલેરી ની વિભાવના હેઠળ આ એકબારી પદ્ધતિ ને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત બનાવી અને તેના વિસ્તારથી આખા રાજ્યમાં હવે જિલ્લા અને તાલુકા સ્તરે જનસેવા કેન્દ્રો કાર્યરત છે જે એકજ સ્થળે લોકોને વિવિધ કામો ની સુવિધા આપે છે.
     આ આદર્શ વ્યવસ્થાનો એક હેતુ સરકારી કામો માટે દલાલોનાં દુષણના નિવારણનો હતો.
  જો કે કમનસીબે આજે ફરીથી આ જનસેવા કેન્દ્રો દલાલબાજી ના કેન્દ્રો બની ગયા છે.
   આ વચેટિયાઓ રેશનકાર્ડ કઢાવવા,સરકારી દાખલા અને પ્રમાણપત્રો મેળવવા સહિતના જનસેવા કેન્દ્રોમાં થતાં લગભગ તમામ કામો બેધડક કરાવી આપે છે. હા,તેઓ અરજદારો પાસેથી તેની યોગ્ય કિંમત અવશ્ય વસૂલ કરે છે.જેવું કામ એવા ભાવ લેવાય છે અને અરજદાર પાસે જરૂરી દસ્તાવેજો ના હોય તો તેની કોઈપણ રીતે પૂર્તિ કરીને કામ કરાવી આપવાનો ખાસ ભાવ ચૂકવવો પડે છે.ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ,આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ જેવા તમામ કામો કરાવી આપવામાં આ લોકો નિપુણ છે.
   



એટલે જનસેવા કેન્દ્રો ખાતે લાઈનમાં લાગીને, બે ત્રણ વાર ધક્કા ખાઇને જે કામો ના થતાં હોય એ કરાવવા આ લોકોની મદદ લેવા અરજદારો મજબૂર બને છે.નજીવી ફી અને અન્ય ખર્ચ થી થતું કામ કરાવવા લોકોએ હજારો રૂપિયા આપી દેવા પડે છે.જો કે કામ આ લોકો ગેરંટી થી લગભગ બેઠા કામ કરાવી આપે છે.

  ભૂતકાળમાં કલેકટર કચેરીમાં અને પ્રાંત કચેરીમાં આ દલાલોનું દુષણ દૂર કરવા દરોડા પાડ્યા હતા,દલાલોને પકડ્યા હતા.પોલીસ ફરિયાદ પણ કરી હતી.પરંતુ થોડા સમય પછી પાછું વચેટીયારાજ ચાલુ થઈ જાય છે.

  વિવિધ કચેરીઓમાં આ દલાલોના પાછલે બારણે સંપર્કો મજબૂત છે એ નક્કી છે.અરજદાર ને ચાર ધક્કા ખાવા પડ્યા હોય એવી અરજીનું નિરાકરણ આ દલાલો એક જ વારમાં કરી આપે છે.એટલે લોકોને નાછૂટકે પણ આ બિન અધિકૃત વ્યવસ્થા માફક આવી જાય છે.

   હાલના સમયમાં લોકો પાસે બધું છે પણ કતારમાં લાગવાનો કે ધક્કા ખાવાનો,રાહ જોવાનો સમય નથી.આ દલાલો અરજદાર વતી આંટા ફેરા કરવા તૈયાર હોય છે.એટલે એમનો ધંધો ધિખતો ચાલે છે.

  ઘણીવાર એવું લાગે છે કે સરકાર આ વચેટિયા પદ્ધતિને અધિકૃત કરી દે,દરેક કામના ભાવ નક્કી કરી આપે તો સરકારને લાયસન્સ ફી મળે ,લોકો વિશ્વાસ સાથે આ લોકોને કામ આપે અને એમને પણ કાયદેસરની રોજગારી મળે.

   જો કે કદાચ આ એજન્ટ રાજના કેટલાક આગવા લાભો જે તે સરકારી કચેરીઓ સુધી પહોંચતા હશે.એટલે ભાઈચારાના સિદ્ધાંત પ્રમાણે વર્ષમાં એક બે વાર ઝુંબેશ કરીને તંત્ર કશુંક કર્યાનો સંતોષ લે છે અને બધું બેરોકટોક ચાલવા દે છે.

Reporter: News Plus

Related Post