વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળાને અટકાવવા માટે તેમજ જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત દુવિધા ઊભી ન થાય તે માટે શહેરમાં આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે રહી નાગરિકોના આરોગ્યની દરકાર કરી રહી છે.
શહેરમાં રોગચાળા અટકાયત અને આરોગ્યલક્ષી કામગીરી માટે વડોદરા મહાનગરપાલિકાની ૪૪ મોબાઈલ ટીમો ફીલ્ડ પર જઈને કામ કરી રહી છે. આ ઉપરાંત હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ માટે ૪૫૦ કરતા પણ વધારે ટીમો જન-જનના સ્વાસ્થ્યની સંભાળ લઈ રહી છે. જેના પરિણામે તા. ૨૯ અને તા. ૩૦ ઓગસ્ટ એટલે કે માત્ર બે દિવસમાં આ ટીમો દ્વારા કુલ ૧.૪૦ લાખ કરતા પણ વધારે ઘરોની તપાસ કરીને કુલ ૭.૫૮ લાખ વસતીનું હેલ્થ સર્વેલન્સ કરવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગ દ્વારા આ બે દિવસમાં મોબાઈલ ટીમો દ્વારા કુલ ૩૩૬ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યા, જેનો ૪૦ હજારથી વધારે લોકોએ લાભ લીધો છે.આ સાથે જ ૩૨ હજાર ઉપરાંત ઘરોમાં ફોગીંગ, ૨.૩૧ લાખથી વધારે ક્લોરીનની ગોળીનું વિતરણ તેમજ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. આરોગ્ય તંત્ર પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સ્વાસ્થ્ય ચકાસણીનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જરૂરી મેડીકલ સુવિધાઓ સાથે દવાઓની વિતરણ વ્યવસ્થા થકી જાહેર આરોગ્યની દરકાર લેવામાં આવી રહી છે.
Reporter: admin