બ્રીજ સલામતીને લઈને મનપાની કાર્યવાહી: મુખ્ય બ્રીજોની તાત્કાલિક મરામત..

આરાધના રીવર ઓવર બ્રીજ સહિત શહેરના મુખ્ય રીવર અને રેલવે ઓવરબ્રિજ પર તાત્કાલિક સ્ટ્રક્ચરલ મરામત હાથ ધરાઈ...
વડોદરા મહાનગરપાલિકાની બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરમાં આવેલા વિવિધ નવા તથા જૂના રેલવે ઓવરબ્રિજ, રીવર ઓવરબ્રિજ અને ફ્લાયઓવર બ્રિજોના પ્રી અને પોસ્ટ મોન્સૂન સેફ્ટી ઓડિટ સલાહકાર મારફતે નિયમિત રીતે કરવામાં આવે છે. આ સેફ્ટી ઓડિટ દરમ્યાન મળેલ સૂચનોના આધારે શહેરના વિવિધ રેલવે ઓવરબ્રિજ, રીવર ઓવરબ્રિજ, ફ્લાયઓવર બ્રિજ તેમજ કેટલાક કલ્વર્ટ સહિત કુલ ૩૮ બ્રીજના જરૂરી સિવિલ મેન્ટેનન્સ કામ માટે રૂ. ૨૧ કરોડનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે.આ મેન્ટેનન્સ કામગીરી માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ પ્રથમ બે પ્રયત્નોમાં કોઈપણ ઇજારદારનું ભાવપત્ર પ્રાપ્ત ન થતાં ત્રીજા તથા ચોથા પ્રયત્ને માત્ર એક જ ઇજારદારનું ભાવપત્ર મળ્યું હતું. પરિણામે સદર ભાવપત્ર પુનઃ મંગાવવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.તા. ૦૯-૦૭-૨૦૨૫ના રોજ પાદરા-જંબુસરથી આણંદ તરફ જતા માર્ગ પર મહીસાગર નદી ઉપર આવેલ મુજપુર ગંભીરા બ્રિજ પર થયેલી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજનું ઉચ્ચ સ્તરે ઇન્સ્પેક્શન કરી જરૂરીયાત મુજબ તાત્કાલિક મરામત કરવાની સૂચના આપવામાં આવી છે.
આ સંદર્ભે, શહેરના નાગરિકોની અવર-જવર સુરક્ષિત અને સરળ રહે તેમજ કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તે હેતુસર તાત્કાલિક ધોરણે વડોદરાના મુખ્ય જુના આરાધના રીવર ઓવરબ્રિજ, કાસમઆલા, મુંજમહુડા, વડસર લેન્ડફિલ, બાલભવન રીવર ઓવરબ્રિજ તેમજ પ્રતાપનગર અને શાસ્ત્રી રેલવે ઓવરબ્રિજની વિવિધ સિવિલ કામગીરી માટે GPMC એક્ટની કલમ ૬૭(૩)(સી) હેઠળ મંજૂરી મેળવી કામગીરી હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને આરાધના રીવર ઓવરબ્રિજના મુખ્ય સ્ટ્રક્ચરલ કોમ્પોનેન્ટની રીસ્ટોરેશન કામગીરી વિશ્વામિત્રી નદી સાથે જોડાયેલા મુખ્ય ખાડી ઉપર સતત પાણીના વહન વચ્ચે કરવામાં આવી હતી. આ દરમ્યાન નદીમાં મગર, કાચબા સહિતના જળચર પ્રાણીઓનો વસવાટ હોવાને કારણે તેમની તથા કામદારોની સલામતી જાળવવી પડકારરૂપ હતી. સાથે સાથે ઊંચાઈ પરની જોખમી કામગીરીને કારણે મશીનરી અને મજૂરીના સમયમાં પણ વધારો કરવો પડ્યો હતો.આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી ઇજારદાર દ્વારા શરૂઆતમાં અંદાજીત રકમથી ૩૬ ટકા વધુ ભાવ રજૂ કરાયો હતો, પરંતુ ભાવઘટાડાની પ્રક્રિયા બાદ અંતે અંદાજીત રકમથી ૧૭ ટકા વધુ દરે કામગીરી કરાવવામાં આવી છે, જે સ્થળ પરિસ્થિતિને અનુરૂપ વ્યાજબી હોવાનું મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.મનપા દ્વારા સ્પષ્ટ કરાયું છે કે આરાધના રીવર ઓવરબ્રિજ પર GPMC એક્ટની કલમ ૬૭(૩)(સી) હેઠળ માત્ર સ્ટ્રક્ચરલ ભાગની તાત્કાલિક કામગીરી કરવામાં આવી છે. જ્યારે ફૂટપાથ, પેરાપેટ, ડિવાઇડર, કર્બિંગ સહિતના નોન-સ્ટ્રક્ચરલ કામો માટે વાર્ષિક ઇજારા અથવા ટેન્ડરિંગ પ્રક્રિયા અંતર્ગત આયોજન કરી આગામી સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
Reporter: admin







