News Portal...

Breaking News :

ચોથી જૂન પછી પાછા હોર્ડીંગના જંગલો ચોરે ને ચૌટે અભિનંદન આવકાર ધન્યવાદ ના મોટા મોટા બોર્ડ અને નેતાઓના રંગીન ફોટો જોવા શહેરીજનો ની આંખો ઉત્સુક છે.

2024-05-14 19:23:22
ચોથી જૂન પછી પાછા હોર્ડીંગના જંગલો ચોરે ને ચૌટે  અભિનંદન આવકાર ધન્યવાદ ના મોટા મોટા બોર્ડ અને નેતાઓના રંગીન ફોટો જોવા શહેરીજનો ની આંખો ઉત્સુક છે.



 શહેરના ચોરા ને ચૌટા એટલે ચાર રસ્તા,ત્રણ રસ્તા,મુખ્ય રસ્તા એવું બધું. શહેરમાં બાળક જન્મે અને આ બધી જગ્યાઓએ ખૂબ મોટા મોટા કદના હોરડિંગ જોતું જોતું મોટું થાય.ફલાણા ને ખૂબ ખૂબ અભિનંદન.ઢીંકણા ની અમુક તમુક જગ્યા પર નિયુક્તિ કરવા માટે અમુક તમુક નો આભાર ને એવું બધું લખેલું હોય. એ ય ને કેટલાક મોટા,કેટલા મધ્યમ કદના અને મહત્વ પ્રમાણે કેટલાક સાવ નાના પણ રંગીન ફોટો લાગેલા હોય..એ બધું જોતાં જોતાં મોટું થાય.એને આ બધું જોવાની ટેવ પડી ગઈ હોય.હવે આચાર સંહિતા (કેટલીક બાબતો માટે લાચાર સંહિતા) લાગુ પડે એટલે આ બધા બોર્ડ આચાર સંહિતા અમલી કરણ અધિકારીઓ નિર્દયતા થી તમામ નાના મોટા બોર્ડ્સ ઉતરાવી લે છે.

એટલે શહેરના ચોરા અને ચૌટા સાવ સુનસાન થઈ જાય.અને સૌ થી વધુ દુઃખી તો આ નાના ભૂલકાં થાય છે.તેઓ બોર્ડ વગરના ચોક જોઈને રડવા માંડે છે.જીદ કરે છે..પપ્પા બોર્ડ બતાવો.અને લાચાર મમ્મી પપ્પા કશું કરી શકતા નથી.ખૂબ દયા આવે છે ..

   જો કે હવે શહેરી બાળકોના દુઃખનો અંત સાવ નજીક છે.બસ એકવાર ચોથી જૂનની મત ગણતરી થઈ જાય.ભવ્ય વિજય કોનો થવાનો છે એ નક્કી જ છે. અને પછી તો અવાર નવાર નવા નવા અવસરો ની વણઝાર ચાલતી જ રહેશે.અભિનંદન ,ધન્યવાદ ના બોર્ડની આગોતરી ચિતરામણ થઈ ગઈ જ હશે.બસ ૫ મી જૂન થી શહેરી રસ્તાઓ  આ ઘરેણાં ફરીથી પહેરી લેશે.નવા નવા વાઘા સજી લેશે. થોડાક થોડાક દિવસે નવા બોર્ડ મૂકવાના નવા નવા બહાના મળશે અને બોર્ડ સતત બદલાતા રહેશે.

   બાળકો આ બધું જોઇને રાજી રાજી થઈ જશે.ચોકલેટ પણ નહિ માંગે.વગર ખર્ચે ખુશ થઈ જશે.

   અગાઉ એક ખૂબ જાણીતા જાદુગર હતા.કે.લાલ અને તેની માયાજાળ એ રીતે એમની જાહેરાત જોવા મળતી.આ મોટા મોટા હોર્ડીગ પણ આવી જ કોઈ હસ્તીઓની માયાજાળ હોય છે.એટલે થોડુંક કમાઈ ને બે ટંકનું ખાઈને સામાન્ય લોકો ફરવા નીકળે ત્યારે આ બોર્ડ મ્હોં વકાસી ને જોઈ રહે છે અને થોડોક આનંદ માણી લે છે.

  જો કે સમાજમાં કેટલાક લોકો ટ્રાફિક વ્યવસ્થાના નિષ્ણાત હોય છે અને બીજા કેટલાક ઘરમાં અને બહાર બધે જ શિસ્તના આગ્રહી હોય છે.

  અહીં એક રસપ્રદ કથા યાદ આવે છે.શહેરને એક કડક,ધર્મપ્રેમી અને શિસ્તના આગ્રહી ઉચ્ચ પોલીસ અમલદાર મળ્યા હતા.તેઓ પાછળ થી રાજનીતિમાં આવ્યા,ધારાસભ્ય અને મંત્રી પણ થયા.

  તેઓ ટ્રાફિક વ્યવસ્થાના નિષ્ણાત હતા.હોય જ.

   વર્ષો પહેલાની આ વાત છે.ત્યારે શહેરમાં બધા સાવ અરસિક હતા.આજે છે એટલો ઢગલો ટ્રાફિક પણ ન હતો.ક્યારેક જ કોઈ બોર્ડ મૂકતા અને એ પણ મનપાની પરવાનગી લઈને!

   તે સમયે નાની બચત યોજનાઓ નો સરકાર ખૂબ પ્રચાર કરતી.હવે શેર બજાર અને એસ.આઈ.પી.નાની બચતને ખાઈ ગયા છે એટલે એ યોજનાઓ ભુલાઈ ગઈ છે.

  કોઠી ચાર રસ્તા આગળ કલેકટર કચેરીની પ્રાંગણ દીવાલની અંદરના ભાગે નાની બચત યોજનાઓ ના પ્રચારનું એક ખૂબ મોટું બોર્ડ લોખંડનું મજબૂત માળખું બનાવીને લગાવેલું હતું.જોયા જ કરવાનું મન થાય એવું ખાસ આકર્ષક પણ ન હતું.

 ઉપર જેમની વાત કરીએ એ મહાશય ત્યાંથી વાહનમાં પસાર થઈ રહ્યા હતા.અને એમની નજર આ બોર્ડ પર પડી.એમને લાગ્યું કે આ બોર્ડ જોખમી છે.આવતા જતા વાહન ચાલકો ની નજર બોર્ડ પર પડે,એમનું ધ્યાન ભંગ થાય એટલે અકસ્માત થવાની શક્યતા વધી જાય.

  એમણે તરત જ કલેકટરને આ બોર્ડ હટાવી દેવા સૂચના આપી.બોર્ડ કયા ખાતાએ મૂક્યું છે એની પણ કોઈને ખબર ન હતી.

  ભારે શોધખોળ પછી બોર્ડ મૂકનાર ખાતાની ભાળ મળી.એના અધિકારીને તાબડતોબ તોતિંગ બોર્ડ હટાવી લેવા તાકીદ કરવામાં આવી.મહા મહેનતે એમણે બોર્ડ હટાવ્યું અને કદાચ એ દિવસથી સમાજમાં નાની બચત પ્રત્યે નો લગાવ ધીમેધીમે ઓછો થવા માંડ્યો.

   અને હવે કેવું સરસ વાતાવરણ સર્જાયું છે.છેક ચાર રસ્તાને અડીને મોટા મોટા બોર્ડ લાગી જાય છે.ધાર્મિક કાર્યક્રમો,સામાજિક કાર્યક્રમો,જાગૃતિ દોડ,બાઈક રેલી..કોઈને કોઈ આયોજન સતત થતું રહે છે.નાની મોટી નિયુક્તિ થતી રહે છે.લોકો નાની મોટી ચુંટણીઓ જીતતા રહે છે.અને પછી અભિનંદન આપનારાઓ નો રાફડો ફાટે છે.એકદમ રંગીન,ભવ્ય ફોટો વાળા બોર્ડ લાગી જાય છે.

  હવે વાહન ચાલકો વધુ નિપુણ કદાચ થઈ ગયા હશે.તેઓ વાહન ચલાવવાની સાથે આ બોર્ડ પણ જોઈ લે છે.એમનું ધ્યાન ભંગ પણ થતું નથી.

  પેલા મહાનુભાવ હાલ તો હયાત નથી.કદાચ હોત તો તેઓ પણ આમ આદમીની માફક મ્હોં વકાસીને આ હોરડિંગ જંગલ જોઈ રહ્યા સિવાય બીજું કશું કરી શક્યા ના હોત.સમય સમયની બલિહારી છે.

  બસ થોડો સમય રાહ જોઈલો.પછી મસ મોટા બોર્ડ ના જંગલો શહેરમાં ઠેર ઠેર ઊભા થઈ જશે.સૂનકાર ચહેલ પહેલ માં બદલાઈ જશે.બોર્ડ લગાવીને અભિનંદન આપતા લોકો જે તે વ્યક્તિને રૂબરૂ મળીને અભિનંદન આપતા હશે ખરા? ખબર નથી.કદાચ રૂબરૂ નહિ મળી શકતા હોય તો આવા બોર્ડના ફોટો પાડીને એમને વોટ્સેપ થી મોકલી તો દેતા જ હશે.સોશિયલ મીડિયાનો જમાનો છે અને ટાઇમ ઓછો છે.

   એવું કહેવાય છે  અથવા એવી માન્યતા છે કે આ બધી પ્રવૃત્તિઓ કરવી હોય તો મનપાની પરવાનગી લેવી પડે,લાગત ભરવી પડે.

   કદાચ એ જરૂરી હશે.પણ કોણ એટલી માથાકૂટ કરતુ હશે એની ખબર નથી.એવું બધું કરવા કરતાં ફટાફટ બોર્ડ બનાવી લો અને નબળા ટેકે જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા કરી દો.સબ ભૂમિ ગોપાલ કી.

  આમ તો મનપા ના અધિકારીઓને બાંધ્યા હાથે તરવાનું.ક્યારેક લાલ આંખ કરે તો કડક ભાષામાં ફોન આવે એટલે હિંમત ભાંગી જાય.લાલ આંખ સફેદ થઈ જાય.અને આવા બોર્ડ જોવાનું એમની આંખ સાવ બંધ જ કરી દે. જોવું પણ નહિ અને જીવ બાળવો નહિ.

   ગઈકાલે આવ્યું એવા આકસ્મિક વાવાઝોડા ચોમાસા પહેલા અને ચોમાસા માં ત્રાટકે ત્યારે આવા મોટા માળખા પત્તાના મહેલની જેમ તૂટી પડે.ક્યારેક કોઈ દબાઈ ને મરી જાય,ગંભીર ઇજા પામે.કોઈનું વાહન દબાઈ જાય.જેના નસીબ આડે પાંદડું હોય એને મનપા અધિકારીઓ થોડા બચાવી શકે?

  મુંબઈમાં આવું થયું.પરવાનગી આપવામાં આવી હતી એનાથી બમણા કે અઢી ગણા માપનું તોતિંગ બોર્ડ મુકાયું.

   વાવાઝોડામાં પડી ગયું.ચારેક માણસો મરી ગયા.ત્યારે મુંબઈ મનપા ને ભાન આવ્યું કે પરવાનગી આપી હતી તેના થી ઘણું મોટું બોર્ડ મૂકી દીધું હતું.ખેર! આવું ચાલ્યા કરે છે અને થયા કરે છે.

   મનપા ને તેનાથી થોડીક આવક થાય છે.થોડીક વગ વપરાય છે.આખરે વ્યાપાર ધંધા ચલાવવાના છે,સમાજમાં સોટતા પાડવા ના છે.અભિનંદન આપીને સંબંધો મજબૂત કરવાના છે,વગ વધારવાની છે,નવા નવા હોદ્દા મેળવવાના છે,એટલે આવું બધું કરવું પડે.અને ચારે બાજુ નાના મોટા બોર્ડ લગાવેલા હોય તો શહેરનો પ્રત્યેક ચોક જીવતો લાગે,ધબકતો લાગે.

  એટલે અરસિક જનો,વાંક દેખા લોકો,મર્યાદામાં રહેજો.શહેરમાં આવું બધું ચાલ્યા જ કરશે.થાય તે કરી લેજો. હા,ચોમાસામાં ભારે વરસાદ પડતો હોય,પવન ફૂંકાતો હોય તો આ હોર્ડીંગ ના જંગલ થી સલામત અંતર રાખજો.બેધ્યાન રહો અને કશું થાય તો અમને કહેવા ન આવતા.વાંક તમારા નસીબનો..!!! બીજું શું..

Reporter: News Plus

Related Post