ગુજરાત હાઇકોર્ટે પણ બે પૂર્વ કમિશનરો ઉપર કાર્યવાહી કરવાનું ડાયરેક્શન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં સનદી અધિકારીઓએ અરજી કરી હતી.પરંતુ કોર્ટનો રુખ જોતા પાછી ખેંચવાની ફરજ પડી હતી.અહીં મૃદુ નહી મક્કમ બનવાની જરૂર છે..
હરણી દુર્ઘટનાને 23 મહિના — ન્યાય હજી અધૂરો..
સનરાઇઝ સ્કૂલ મામલે કોર્પોરેશન નિષ્ફળ..
હરણી બોટ દુર્ઘટનાને બે વર્ષ પૂરાં થવાના આરે પણ જવાબદાર સામે કડક કાર્યવાહી નહીં...

પીડિત પરિવારોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી કમિશનરને કાર્યવાહી માટે આદેશ આપ્યા..
વડોદરાની ગોઝારા હરણી બોટ દુર્ઘટનાને 23 મહિના વીતી ગયા છે અને આવતા મહિને 18 જાન્યુઆરીએ આ દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થશે. તેમ છતાં, હજુ સુધી પીડિત પરિવારોને યોગ્ય ન્યાય મળ્યો નથી. આ દુર્ઘટનામાં 12 નિર્દોષ બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા.23 મહિના બાદ પણ ન્યાય ન મળતાં ગુરુવારે વિવિધ મુદ્દે પીડિત પરિવારનાં સભ્યો કોર્પોરેટર આશિષ જોશીની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા પહોંચ્યા હતા. તેમણે મુદ્દાઓ સાથે પોતાની રજૂઆત કરી અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.પીડિત પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે તંત્રના ભ્રષ્ટાચારના કારણે બાળકોના જીવ ગયા છે અને હજુ પણ પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે. જોકે, કમિશનરે ફાયર વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરતાં પરિવારોમાં આશા જાગી છે.વર્ષોથી મફતમાં મેદાન વાપરતી સનરાઇઝ શાળા પાસેથી હજુ સુધી મેદાનનું ભાડું વસૂલવામાં આવ્યું નથી. આ મુદ્દે કમિશનરે તે વિસ્તારના ડેપ્યુટી કમિશનરને સ્પષ્ટ સૂચના આપી છે કે જવાબદારીપૂર્વક કાર્યવાહી કરી પીડિત પરિવારો તથા કોર્પોરેટર આશિષ જોશી સાથે સંકલન કરીને યોગ્ય પગલાં લે.હાલ પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે પીડિત પરિવારો તળાવમાં કૂદી આત્મહત્યા કરવાની વાત કરે છે તેમજ કોર્પોરેશનમાં ભૂખ હડતાળ પર બેસવાની ચેતવણી આપી રહ્યા છે. તેમની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું જણાયું છે. વળતરની રકમ પણ હપ્તામાં ટુકડે ટુકડે આપવામાં આવી છે.પીડિતોએ જણાવ્યું હતું કે હવે કમિશનરને સમગ્ર હકીકતની જાણ થઈ છે. નાયબ મુખ્યમંત્રીએ પણ અગાઉ કહ્યું હતું કે ચમરબંધીને છોડવામાં નહીં આવે. આરોપીઓ હાલ જામીન પર બહાર છે. પીડિત પરિવારોએ શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે, જેને પગલે કમિશનરે એક મહિનામાં જરૂરી કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે. સ્કૂલ પાસેથી ભાડાની વસુલાત કરવામાં કોઈ કોર્ટના આદેશની જરૂર નથી પાલિકાને પોતાને સત્તા મળેલી છે.ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરી 2024ની બપોરે હરણી તળાવમાં ફરવા ગયેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકોને લઈ જતી બોટ અચાનક ડૂબી ગઈ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળકો અને બે શિક્ષકાઓ સહિત કુલ 14 લોકોનાં મોત થયા હતા.

મેદાન ભાડું વસૂલવા પીડિતોની રજૂઆત"
શાળા પાસેથી મેદાનનું ભાડું લેવાની વાત અમે રજૂ કરી છે
અમે આવેદન આપ્યું છે અને શાળા પાસેથી મેદાનનું ભાડું વસૂલવાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરી છે. હવે જોવું રહ્યું કે તેમાં કેટલો સમય લાગે છે.”
જીગર સુરતી, : પીડિત શિક્ષકના પુત્ર
હજુ પણ અમે ન્યાય માટે લડી રહ્યા છીએ
આજે 23 મહિના પૂર્ણ થયા છે. વર્ષો બદલાયા, કમિશનરો બદલાયા, છતાં હજુ પણ અમે ન્યાય માટે લડી રહ્યા છીએ. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા છીએ. ભૂતકાળમાં પીપીપી મોડલ હેઠળ નફાની લાલચમાં પ્રોજેક્ટ આપ્યો હતો, જેના પર હાલના કમિશનરે કાર્યવાહી કરવી જોઈએ.”
કલ્પેશ નિઝામાં : પીડિત બાળકના પિતા
એક મહિનામાં જરૂરી કડક કાર્યવાહી કરવાની કમિશનરની બાંહેધરી...
તંત્રના ભ્રષ્ટાચારના કારણે બાળકોના મોત થયા છે. જોકે, કમિશનરે ફાયર વિભાગના અધિકારીઓ સામે કાર્યવાહી કરતાં પરિવારોમાં આશા જાગી છે. વર્ષોથી મફતમાં મેદાન વાપરતી શાળા પાસેથી ભાડું વસૂલવા માટે ડેપ્યુટી કમિશનરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પીડિત પરિવારોની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ છે. એક મહિનામાં કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે.”
— આશિષ જોશી, કોર્પોરેટર
Reporter: admin







