દિલ્હી : અફઘાનિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'હવે બંને દેશો વચ્ચેના જૂના સંબંધોનો યુગ સમાપ્ત થઈ ગયો છે.
શુક્રવારે આસિફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં રહેતા અફઘાન નાગરિકો તાત્કાલિક પોતાના દેશ તરફ રવાના થઈ જાય, કારણ કે, હવે તેમની પોતાની સરકાર છે અને અમારી ધરતી અને સંસાધનો ફક્ત 25 કરોડ પાકિસ્તાનીઓ માટે જ છે.'નોંધનીય છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો અને સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, દોહામાં વાતચીત પૂરી ન થાય ત્યાં સુધી અસ્થાયી યુદ્ધવિરામ (સીઝફાયર) લંબાવવામાં આવ્યો હતો. તેમ છતાં, પાકિસ્તાને અફઘાનિસ્તાનના પત્તિકા પ્રાંતમાં ફરી એરસ્ટ્રાઇક કરી હતી.જોકે, આ મુદ્દે તાલિબાની અધિકારીઓએ કહ્યું કે, બંને વચ્ચેનો કરાર તૂટી ગયો છે.
ખ્વાજા આસિફે તાલિબાન સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, અફઘાનિસ્તાનને સરહદ પારના આતંકવાદને લગતા 836 પ્રોટેસ્ટ નોટ અને 13 માગણીઓ મોકલવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 'હવે કોઈ પ્રતિનિધિમંડળ કાબુલ નહીં જાય. હવે કોઈ પ્રોટેસ્ટ નોટ કે શાંતિની અપીલ કરવામાં નહીં આવે. આતંક જ્યાં પણ પેદા થઈ રહ્યો છે, તેને તેની કિંમત ચૂકવવી પડશે.'પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ ચેતવણી આપી છે કે, જો સરહદ પર અફઘાનિસ્તાન દ્વારા કોઈ પણ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
Reporter: admin







