સુરતમાંથી 1 કરોડથી વધુનું હાઈ પ્યોરિટી MD ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના લાલગેટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા બે આરોપી MD ડ્રગ્સ સાથે અન્ય માલસામાન મૂકીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આરોપી ભાગતા હોવાના CCTV પણ સામે આવ્યા છે. ભાગેલા બે આરોપીને પકડવા માટે પોલીસે પીછો કર્યો હતો પરંતુ કાળો કારોબાર કરનારાઓને ભાગવામાં સફળતા મળી હતી. જોકે હાલ તો પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર સુરત SOG-PCB પોલીસની ટીમે લાલગેટ વિસ્તારમાંથી હાઈ પ્યોરિટી 1 કિલો જેટલું 1 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સુરત SOG-PCB પોલીસની ટીમને બાતમી મળી હતી કે, આરોપી મોહંમદ કાસીફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ અને શેહબાઝ ઈર્શાદ હુસેન ખાન નામના બે શખસ વચ્ચે લાલગેટ વિસ્તારમાં મોટી ડ્રગ્સની ડીલ થનાર છે. જેને લઈને પોલીસ દ્વારા લાલગેટ લાલમિયાં મસ્જિદની સામે મદરેસા ઇસ્લામિયા સૂફીબાગ શાખાની આસપાસ વોચ ગોઠવી હતી અને બંને શખસ વચ્ચે ડ્રગ્સની ડીલ થતી હતી. તે દરમિયાન પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, પરંતુ પોલીસ તેઓને પકડે તે પહેલાં જ બંને શખસ બાઇક અને ડ્રગ્સ ભરેલી બેગ ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે બેગ ચેક કરતા તેમાંથી 1 કરોડની કિંમતનું 1 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પોલીસને જોઈને બંને આરોપીઓ ભાગ્યા હતા અને પોલીસ દ્વારા પણ તેઓને પકડવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા છે. પોલીસ આરોપીઓને પકડવા તેમની પાછળ દોડી હતી તે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બંને આરોપીઓ ભાગી રહ્યા છે અને પોલીસની ટીમ તેમને પકડવા પીછો કરી રહી હતી
Reporter: News Plus