વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ ઘરફોડ ચોરી અને મારમારીમાં સંડોવાયેલ અને અગાઉ 10 ગુનામાં પકડાયેલ અને આણંદમાં 5 ગુનામાં ફરાર શખસને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ શખસ વડોદરા શહેરમાંથી બાતમીના આધારે ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે આણંદ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.વડોદરા શહેરમાં રહેતા અને મિલ્કત સંબધી ગુનાઓ કરતાં તેમજ મિલ્કત સંબંધી જુદા-જુદા ગુનાઓમાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ કમિશનર સહિતના અધિકારીઓની સુચના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમો મિલ્કત સંબંધી ગુનાઓ કરતા શખસ તેમજ મિલ્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સતત કાર્યાવહી કરી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીદારથી મળેલી બાતમીના આધારે રીઢો શખસ રવીસીંગ તારાસીંગ સરદાર (સીકલીગર) (ઉં.વ.32 રહે. ગામ રણોલી બળીયાદેવનગર વડોદરા શહેર)ને તેના મકાન પાસેથી રાત્રીના સમયે ઝડપી લેવામાં આવ્યો છે. તેની પૂછપરછ દરમિયાન આ ઇસમ આણંદ જિલ્લાના આણંદ રૂરલ, ખંભોળજ, વાસદ, આંકલાવ, બોરસદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પાંચ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનુ અને આ ગુનાઓમાં ધરપકડ ન થાય તે માટે નાસતો ફરતો હોવાનું હકીકત જણાવી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આણંદ જિલ્લાના પાંચેય પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આ શખસ વડોદરા સહિત 10 જેટલા ઘરફોડ ચોરી અને મારામારીના ગુનામાં અગાઉ પકડાયેલ છે અને ત્યારબાદ ફરાર થતા ફરી ઝડપી લેવામાં આવ્યો છે
Reporter: News Plus