વડોદરા : સુભાનપુરા વિસ્તારમાં ગઈ રાત્રે ખાળ કુવો સાફ કરાવવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થયા બાદ એક યુવકની માર મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે સાળા બનેવી તેમજ સાળાની પત્ની સામે ગુનો દાખલ કર્યો છે.

સુભાનપુરાની ભેસાસુર નગર વસાહતમાં રહેતા ઉષાબેન રાઠોડે પોલીસને કહ્યું હતું કે, મારા ઘરની પાસે પ્રવીણભાઈ પંચાલ રહે છે અને અમારા બંને ઘરો વચ્ચે સંયુક્ત ખાળકુવો છે. જે અવારનવાર કોર્પોરેશન મારફતે સાફ કરાવતા હોઈએ છીએ. છેલ્લા દસેક દિવસથી ખાળકુવો ભરાઈ ગયો હોવાથી પ્રવીણભાઈને વારંવાર સાફ કરાવવા માટે વાત કરી હતી પરંતુ તેઓ દરકાર કરતા ન હતા. જેથી ગઈકાલે રાત્રે મારો 28 વર્ષીય પુત્ર પિયુષ રાઠોડ પ્રવીણભાઈને કહેવા માટે ગયો હતો.

આ વખતે પ્રવીણ મોહનભાઈ પંચાલ તેની પત્ની શીતલ તેમજ પ્રવીણનો બનેવી રમેશ છગનભાઈ સિકલીગર (ભાગ્યલક્ષ્મી સોસાયટી,સમતા, વડોદરા) હાજર હતા. ઉગ્ર બોલાચાલી થઈ તે વખતે શીતલે ભલે જેલમાં જવું પડે ભોગવી લઈશું પરંતુ આજે આને છોડવો નથી તેમ કહ્યું હતું. ત્યારબાદ પિયુષને તેઓ ઘરમાં ખેંચી ગયા હતા અને અવાજો આવતા હતા. અમે છોડાવવા માટે લોકો દોડી આવ્યા ત્યારે સાળા-બનેવીએ પિયુષને પકડી રાખેલો હતો. પિયુષ તેમના હાથમાંથી છટકીને બહાર નીકળી આવ્યો હતો અને માથું પકડીને નીચે બેસી ગયો હતો. ત્યારબાદ તે ઢળી પડતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

Reporter: admin