વડોદરાઃ વડોદરાના ગોત્રીવિસ્તારમાં રહેતા નિવૃત્ત સરકારી અધિકારીને મુંબઇમાં સેટલ થયેલા પુત્રના નામે બ્લેકમેલ કરી ૧૨ કરોડ વસૂલવા ધાકધમકી આપી ૧.૫૦ કરોડ પડાવી લેનાર ગેંગના સાગરીત ગિરિશને ગોત્રી પોલીસે ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ પર લીધો છે.
ગોત્રી વિસ્તારમાં આશીર્વાદ ડુપ્લેક્સમાં રહેતા નિવૃત્ત ફેક્ટરી ઇન્સ્પેક્ટર રજનીકાન્ત પરમારે પોલીસને કહ્યું છે કે,મારો પુત્ર નિખિલ મુંબઇમાં સેટલ થયો છે.ફેબુ્રઆરીમાં તેણે મને વોટ્સએપ પર કોલ કરી પ્રિતી સિંહાએ ફરિયાદ કરી છે.બીજા પાંચ રાજ્યોમાં ૭૦ થી વધુ એફઆઇઆર થઇ છે,બળાત્કારના આક્ષેપો છે અને પાંચ રાજ્યોની પોલીસ પકડવા આવી છે તેવી જાણ કરી હતી.પોલીસ પકડી જશે તો આખી જિંદગી જેલમાં રહેવું પડશે તેમ કહી મારા મિત્ર કપિલ રાજપૂતે મને પુરી રાખ્યો છે.ભાગી જઇશ તો ચાકુ મારીશ તેવી ધમકી આપે છે.ત્યારબાદ તા.૨૦મી ફેબુ્રઆરીએ કપિલે ફોન કરી દિલ્હીમાં હોમ ડિપાર્ટમેન્ટમાં ૧૨ કરોડમાં સેટલ કર્યું છે.કોઇ પણ પોલીસ નિખિલને હાથ નહિ લગાડે તેમ કહી રુપિયાની માંગણી કરી હતી.નિવૃત્ત અધિકારીએ કહ્યું છે કે, તા.૨૮મીએ ગિરિશ ભોલે મારે ત્યાં આવ્યો હતો અને તેને ૭૦ લાખ આપ્યા હતા. ત્યારપછી પણ કપિલે ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું.
નિખિલ સાથે વાત કરાવતો નહતો અને તા.૭મી માર્ચે ગિરિશને મોકલી બીજા ૮૦ લાખ મંગાવ્યા હતા.ત્યારપછી પણ ૧૦.૫૦ કરોડની ઉઘરાણી ચાલુ રાખી હતી.નિખિલ પાસે પણ તેઓ ફોન કરાવતા હતા.તા.૧૮મીએ કપિલે ૧ કરોડ લેવા ગિરિશ આવશે તેમ કહ્યું હતું.જેથી મેં સબંધી મારફતે પોલીસને જાણ કરી હતી.ગોત્રી પોલીસે આ અંગે કપિલ રાજપૂત,ગિરિશ ભોલે(બંને રહે. સેક્ટર-૧૮, ઉલ્વે,નવી મુંબઇ) અને મધુમિતા પોતદાર સામે ગુનો નોંધ્યો છે.નિખિલને ગોંધી રાખી રૃપિયાની માંગણી કરનાર કપિલ રાજપૂત અને ગિરિશ ભોલે રૃ.૧૨ કરોડની માંગણી કરતા હોવાથી નિખિલના પિતાએ એક વાર નિખિલને મેળવવા માટે માંગણી કરી હતી.જેથી કપિલે નિખિલના માતા-પિતાને કારમાં લઇ આવવા ગિરિશને કહ્યું હતું.નિખિલની કારમાં જ બંનેને મુંબઇના ગેસ્ટહાઉસમાં લઇ જવાયા હતા.કપિલે ૮૦ લાખની રકમ ગિરિશ પાસેથી લઇ લીધી હતી.પરંતુ ત્યારપછી પણ નિખિલ સાથે મુલાકાત કરાવી નહતી અને દિલ્હી પૈસા પહોંચશે પછી જ વાત થશે તેમ કહ્યું હતું.સિનિયર સિટિઝને કહ્યું છે કે,મુંબઇના ગેસ્ટહાઉસમાં નિખિલને મળવા માટે લઇ ગયા ત્યારે ગિરિશ અને કપિલે મારી ઓળખાણ મધુમીતા પોતદાર સાથે કરાવી હતી અને કપિલ તેમજ મધુમીતા રુપિયા લઇ ગયા હતા.આ ઉપરાંત પ્રિતી સિંહાએ મારા પુત્ર સામે ફરિયાદ કરી છે તેમ પણ કપિલે કહ્યું હતું.જેથી ગોત્રી પોલીસ માટે પ્રિતી અને મધુમીતા તપાસનો વિષય બન્યા છે.
Reporter: admin