News Portal...

Breaking News :

પ્રમુખ જયપ્રકાશજીને જનહિતમાં, વિનમ્રતા સાથે ચેતવણી..ચેતતા નર સદા સુખી.

2025-03-24 09:46:26
પ્રમુખ જયપ્રકાશજીને જનહિતમાં, વિનમ્રતા સાથે ચેતવણી..ચેતતા નર સદા સુખી.


હોદ્દો મેળવવા નવા શહેર ભાજપ પ્રમુખની આસપાસ મધમાખીની જેમ મંડરાઇ રહેલા લોભી નેતાઓ


પ્રમુખ સંગઠિત કરશે સંગઠન મજબૂત કરશે....
શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે ડો.જયપ્રકાશ સોનીની વરણી થઇ ગઇ છે. સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા નવા પ્રમુખે જ્યારથી ચાર્જ લીધો છે ત્યારથી તેમની ગુડબુકમાં આવવા માટે કાર્યકરો અને નેતાઓ તેમની આગળ પાછળ ફરી રહ્યા છે. જે કાર્યકરો છેલ્લા 3- 4 વર્ષથી શહેર કાર્યાલયમાં પણ જોવા મળ્યા ન હતા તે કાર્યકરો હવે નવા શહેર પ્રમુખની આગળ પાછળ મધમાખીની જેમ મંડરાઇ રહ્યા છે. જેમને છેલ્લા 4 વર્ષથી પક્ષ સાથે સીધો કે આડકતરો સંબંધ પણ ન હતો કે પછી પક્ષના કોઇ કાર્યક્રમમાં પણ દેખાતા ન હતા તે હવે નવા શહેર પ્રમુખને સારુ લગાડવા અને તેમની કૃપા દ્રષ્ટી પડે તે માટે સતત તેમની આસપાસ જોવા મળી રહ્યા છે. આવા તત્વો અમે પક્ષ માટે આટલું કામ કર્યું તેવી મોટી મોટી વાતો કરીને પ્રમુખ સામે બણગાં ફૂકી રહ્યા છે. સ્વાભાવીક છે કે પક્ષના સંગઠન વિશે વધુ જાણકારી ના ધરાવતા નવા શહેર પ્રમુખને આ કાર્યકરોની માહિતી ના હોય તેથી અમે આવા કાર્યકરોથી સાવચેત રહેવા શહેર પ્રમુખને અપીલ કરીએ છીએ. પક્ષ પ્રમુખ પોતાનું નવું માળખુ જાહેર કરે તે પહેલા તેની આસપાસ મંડરાતા રહેતા અને આગળ પાછળ રહેતા આવા કાર્યકરોની પહેલા કુંડળી ચકાસી લેવી જોઇએ 



પક્ષના એવા પણ કેટલાક વિવાદીત ચહેરા છે જે પણ હવે નવા પ્રમુખની આસપાસ ફરી રહ્યા છે. આ વિવાદીત ચહેરાઓ પોતાને મનપસંદ હોદ્દો મળે તે માટે પક્ષ પ્રમુખની આસપાસ ફરે છે તેમને સારુ લગાડવાનું કામ કરે છે અને પોતે કેટલા સક્રીય છે તે બતાવાનો પ્રયાસ કરે છે. પક્ષ પ્રમુખને એવું લાગે કે આ વ્યક્તિ પક્ષ માટે કેટલું કામ કરે છે. પણ પક્ષ પ્રમુખે આવા વિવાદીત ચહેરાઓને ઓળખીને તેમના વિવાદો પણ જાણી લેવા જોઇએ. એક એવા પણ મહામંત્રી છે જે પોતાને રિપીટ કરાવવા પણ ભારે મહેનત કરી રહ્યા છે અને નવા પ્રમુખની આસપાસ રહીને અને સતત તેમની સાથે ફરીને પ્રમુખની વાહવાહી પણ કરી રહ્યા છે. નવા શહેર પ્રમુખે હવે તેમની સતત આસપાસ રહે છે, તેમની વાહ વાહી કરે છે તેવા તમામ નેતાઓ અને કાર્યકરોને ઓળખીને તેમની કુંડળી કઢાવવી જોઇએ. જેથી તેમને જાણ થઇ શકે કે આ નેતાઓ વાસ્તવમાં પક્ષને નહીં પણ ખુરશીને પ્રેમ કરે છે અને વાહ વાહી કરીને ગમે તે ભોગે નવા પ્રમુખને ખુશ કરીને હોદ્દો અને ખુરશી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

નવા પ્રમુખનો પ્રેમ જીતવા કેટલાક તો સંઘમ શરણમ ગચ્છામી...
એવા પણ કેટલાક નેતાઓ અને કાર્યકરો છે જે ક્યારેય સંધની શાખામાં ગયા જ નથી પણ સીધા ભાજપના ભરતી મેળામાં ભાજપમાં જોડાઇ ગયા હતા. તેમને માત્ર ખુરશીમાં જ અને હોદ્દામાં જ રસ છે અને નવા શહેર પ્રમુખ સંઘમાંથી આવેલા હોવાથી આવા નેતાઓ કે કાર્યકરો હવે આરએસએસમાં પણ જોડાવા વાત કરી રહ્યા છે જેથી શહેર પ્રમુખ ડો.સોનીની નજરમાં આવી જવાય આ નેતાઓ અને કાર્યકરોને તો પોતાનો રાજકીય રોટલો શેકવામાં જ રસ છે. અને તેથી હવે સંઘના નામે ભાજપ કાર્યાલયમાં જ ધામા નાખીને બેઠેલા જોવા મળે છે. જેથી પ્રમુખ સાહેબ ખુશ રહે. અહીં બીજી એક મહત્વની વાત એ પણ છે કે પૂર્વ પ્રમુખ ડો. વિજય શાહ સાથે જે નેતાઓ અને કાર્યકરો ફરી રહ્યા હતા તે હવે દિશાવિહીન થઇ ગયા છે. હવે તો આવા તમામ નેતાઓ અને કાર્યકરો સંઘ સાથે જોડાઇને પોતાની રાજકીય કારકિર્દી સારી રીતે આગળ વધે અને તેમને સારા હોદ્દા મળે તેવા પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. 



મેયર પત્રિકા કાંડના નેતાઓ પણ નવા પ્રમુખની આગળ પાછળ
કેટલાક નેતાઓ અને કાર્યકરો હવે તો સંઘના નામે ભાજપ કાર્યાલયમાં આંટાફેરા મારતા જોવા મળે છે. એવા કેટલાક વિવાદીત ચહેરા પણ નવા પ્રમુખની આસપાસ જોવા મળી રહ્યા છે.  મેયર પત્રિકા કાંડમાં જેમનું નામ ઉછળ્યું હતું તેવા કાર્યકરો અને નેતાઓ હવે નવા પ્રમુખની આસપાસ જોવા મળી રહ્યા છે. જ્યારથી નવા પ્રમુખ આવ્યા છે ત્યારથી જ આ વિવાદીત ચહેરા પ્રમુખની આસપાસ જોવા મળી રહ્યા છે. પ્રમુખે પણ આવા નેતાઓની કુંડળી કઢાવવી જોઇએ જેથી  તેમને છાંટા ના ઉડે

યુવા ધારાસભ્યો અને સિનીયર ધારાસભ્યોના અલગ અલગ ચોકા.
શહેરના રાજકારણમાં હવે એક નવી આંતરીક જૂથબંધી જોવા મળી રહી છે. કોઇને જાણીને નવાઇ લાગશે કે હવે યુવા ધારાસભ્યો એક થઇ ગયા છે અને સિનીયર ઉંમરલાયક ધારાસભ્યોને આ યુવા ધારાસભ્યો સાઇડલાઇન કરી રહ્યા છે. હમણાં આ યુવા ધારાસભ્યોએ એક મિટીંગ કરી હતી તેમાં સિનીયર ધારાસભ્યોને બોલાવ્યા પણ ન હતા અને તેની જાણ આ સિનીયર ધારાસભ્યોને થતાં તેમને મરચાં પણ લાગ્યા હતા અને તમતમી ઉઠ્યા હતા અને તેથી આ માટે આ સિનીયર ધારાસભ્યોએ પણ એક અલગથી મિટીંગ પણ કરી હતી. યુવા નેતૃત્તવ હવે સિનીયરોને ગાંઠતું નથી તેવું લાગવા માંડ્યું છે. નવા પ્રમુખને કેપ્ચર કરી લેવા માટે હવે લોબીંગ શરુ થઇ ગયું છે અને અલગ અલગ નેતાઓ અલગ અલગ ચોકો બનાવીને મિટીંગો કરી રહ્યા છે. હવે પક્ષે જેમને અગાઉ સસ્પેન્ડ કરી દીધા હતા તેના નેતાઓ અને કાર્યકરો પણ ગેલમાં આવી ગયા છે. 

જૂના પ્રમુખના વિશ્વાસુઓ હવે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં...
સ્થાયીની સંકલન બેઠકમાં હવે ગાંધીજીના ત્રણ બંદરની જેવું કેટલાક હોદ્દેદારો વર્તન કરી રહ્યા છે અને ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે. જૂના પ્રમુખના વિશ્વાસુ ગણાતા આ હોદ્દાદારોનું વર્તન કળી શકાય તેમ નથી. જુના પ્રમુખના વિશ્વાસુઓના આ લિસોટા ક્યારે ભુસાય છે તે હવે જોવાનું રહ્યું છે. 

પેટ્રોલપંપો ધરાવતા નેતાઓ પણ સંગઠનમાં આવવા માગે છે
શહેર પ્રમુખની આસપાસ હવે તો એવા નેતાઓ પણ ફરી રહ્યા છે જેઓ ડઝનથી વધુ પેટ્રોલ પંપો અને અમુલ ડેરીના પાર્લરો ધરાવી રહ્યા છે અને પાછા સંગઠનમાં નેતા બનીને ફરે છે. હંમેશા પોતે સત્ય છે તે બતાવે છે. અને સત્ય બોલે છે આવા નેતાઓ સત્તાનો દુરુપયોગ કરી પેટ્રોલપંપોના માલિક-ભાગીદાર-સંચાલક બની બેઠા છે. ભાજપના નેતાઓને તો હવે પેટ્રોલ પંપોની ફાવટ આવી ગઇ છે. અને નાયરાના પેટ્રોલ પંપની માલિકી ઘણા ભાજપના નેતાઓ પાસે છે જેનો ચોક્કસ લોકો જ વહીવટ કરે છે.

Reporter: admin

Related Post