નવીદિલ્હી : પેરિસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતીને પાકિસ્તાનનું ગૌરવ વધારનારા અરશદ નદીમ હાલમાં એક વિવાદમાં ફસાઇ ગયા છે.
આ દરમિયાન તેનો એક વીડિયો હેડલાઇન્સમાં આવ્યો છે. જેને લઈને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લશ્કર-એ-તૈયબાના આતંકી મોહમ્મદ હરિસ ડારને મળ્યો છે.આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમ અને મોહમ્મદ હરિસ ડારનો એક સાથેનો વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં ડાર, નદીમને તેમની ઓલિમ્પિક સિદ્ધિ બદલ અભિનંદન આપતો જોવા મળ્યો હતો. મોહમ્મદ હરિસ ડાર, લશ્કર-એ-તૈયબાની રાજકીય પાંખ મિલ્લી મુસ્લિમ લીગનો સંયુક્ત સચિવ છે. લશ્કર-એ-તૈયબા એક પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે જેને 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદે સ્થાપ્યું હતું.
આ વીડિયો સામે આવ્યા બાદથી જ અરશદ નદીમની છબી પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. લોકોમાં આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો આને રાષ્ટ્રીય હીરોની છબીને ઠેસ પહોંચાડવાનું કાવતરું માની રહ્યા છે, તો કેટલાક લોકો માને છે કે આ સમગ્ર મામલે તપાસ થવી જ જોઈએ.પાકિસ્તાનના પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા અરશદ નદીમ નું વતન પરત ફરતા ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. નદીમ જ્યારે અહીં પહોંચ્યો ત્યારે તેનું ‘વોટર કેનન સલામી’થી સ્વાગત કરવામાં આવ્યું હતું. નદીમ જ્યારથી તેના ઘરે પહોંચ્યો ત્યારથી તેને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આતંકવાદી ડાર કથિત રીતે અરશદ નદીમને પણ મળ્યો હતો. એક અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે X પરના OSINT (ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ) હેન્ડલે નદીમ અને દાર વચ્ચેની વાતચીતનો વીડિયો શેર કર્યો ત્યારે વિવાદ ઉભો થયો છે.
Reporter: admin