News Portal...

Breaking News :

અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે વર્ષ દરમ્યાન વડોદરામાં કુલ રૂ.૪૩.૩૭ કરોડની આર્થિક સહાય ચૂકવાઈ

2025-04-11 15:38:05
અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે વર્ષ દરમ્યાન વડોદરામાં કુલ રૂ.૪૩.૩૭ કરોડની આર્થિક સહાય ચૂકવાઈ


સમાજ કલ્યાણ વિભાગની યોજના થકી વર્ષમાં જિલ્લાના કુલ ૩૧,૪૮૩ અનુસૂચિત જાતિના લોકો લાભાન્વિત થયા
જિલ્લાનાં કુલ ૬૪ વિદ્યાર્થીઓનું યોજનાકીય આર્થિક સહાય થકી વિદેશ અભ્યાસનું સ્વપ્ન પૂર્ણ થયું
રાજ્ય સરકાર દ્વારા સર્વસમાવેશી વિકાસ અને સમરસતા કેળવાય તે માટે અનુસૂચિત જાતિની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પરિણામલક્ષી અભિગમ સાથે આરંભાયેલ વિકાસ યાત્રા થકી અનેક વંચિતો મુખ્ય ધારા તરફ વળ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના સામાજિક કલ્યાણ વિભાગ દ્વારા વંચિતોના ઉત્થાન માટે ઉત્કૃષ્ઠ કામગીરી થઇ છે. 


જે અન્વયે વડોદરા જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ માટે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ૩૧,૪૮૩ લાભાર્થીઓ સહિત સરકારી છાત્રાલયો તથા આદર્શ નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે.યોજનાઓ અને લાભાર્થીઓની વાત કરીએ તો, સામાજિક કલ્યાણ વિભાગ વડોદરા દ્વારા વર્ષ દરમ્યાન પ્રિએસ.એસ.સી. શિષ્યવૃત્તિ અંતર્ગત ૨૨,૪૨૨ વિદ્યાર્થીઓને કુલ. ૨૧૭.૪૬ લાખની શિષ્યવૃતિ સહાય આપવામાં આવી છે.જ્યારે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ સહાય અંતર્ગત ૮૨૨૮ વિદ્યાર્થીઓએ કુલ ૨૧૦૨.૪૧ લાખની સહાય મેળવીને પોતાનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારના સરકારી તથા ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેવા તથા આશ્રમશાળા ખાતે રહેવા સાથે ભણવાની સુવિધા આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૩૩.૭૦ લાખના ખર્ચે વડોદરા શહેરી વિસ્તારમાં એક આશ્રમશાળા કરજણ ખાતે, બે છાત્રાલય કરજણ ખાતે અને બે છાત્રાલય વડોદરા શહેરમાં આવેલ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં છાત્રાલયની વાત કરીએ તો તાલુકાઓમાં સાવલીમાં બે, શિનોરમાં બે અને પાદરામાં બે છાત્રાલય આવેલા છે.બીજી તરફ ધોરણ ૧૧ થી કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા તથા જમવાની અને આદર્શ નિવાસી શાળાઓમાં ધોરણ - ૯ થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને ભણવાની સુવિધા માટે કુલ રૂ.૨૪૭ લાખ ખર્ચવામાં આવ્યા છે.વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા કુલ ૬૪ તેજસ્વી વિદ્યાર્થીઓને દરે ૪ ટકાના રૂ.૧૫.૦૦ લાખની એમ કુલ રૂ.૯૬૦ લાખની લોન આપવામાં આવી છે. જ્યારે ડૉ. પી.જી. સોલંકી વકીલ સ્ટાયપેન્ડ યોજના હેઠળ કાયદાની પદવી મેળવીને પ્રેક્ટિસ કરવા માંગતા ૮૨ વકીલ લાભાર્થીઓને કુલ રૂ.૫.૬૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે.સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા હેતુ ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં છે. 


જે અન્વયે વર્ષ દરમ્યાન કુલ ૧૫૯ લાભાર્થીઓને કુલ રૂ. ૪૦૭ની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે દીકરીઓના લગ્નમાં મામેરાનો ખર્ચને પહોંચી વળવા માટે કુંવરબાઇનું મામેરુ યોજના હેઠળ કુલ ૨૫૫ લાભાર્થીઓને કુલ રૂ.૩૦.૫૮ લાખની સહાય આપવામાં આવી છે. આ સાથે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ સામે થતાં અત્યાચાર વિરુદ્ધ ભોગ બનનારને ખાનગી વકીલ રાખવા માટે રૂ. ૩૭૦૦૦ ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જે અન્વયે કુલ રૂ.૧૨૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર યોજના હેઠળ અંત્યેષ્ટિ અને કર્મકાંડ સહાય આપવામાં આવે છે, જે અન્વયે ૨૩૨ લાભાર્થીઓને કુલ રૂ.૧૧.૬૦ લાખની સહાય આપવામાં આવી છે. જ્યારે ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ દ્વારા જાતિના ઉત્કર્ષની વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૧ લાભાર્થીઓને કુલ રૂ.૧૮ લાખની અને સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા કુલ ૩૦ લાભાર્થીઓને કુલ રૂ.૭૬.૪૦ ની લોન સહાય પૂરી પાડવામાં આવી છે.આ તમામ યોજનાઓનો લાભાર્થી સરળતાથી, ઝડપથી અને પારદર્શી રીતે લાભ મેળવી શકે છે. આવનાર સમયમાં અનુસૂચિત જાતિના લોકો સરકાર દ્વારા અમલી સામજિક, શૈક્ષણિક અને આર્થિક યોજનાઓનો વધુમાં વધુ લાભ લઈને આત્મનિર્ભર બનવા માટે નાયબ નિયામક, સમાજ કલ્યાણ વિભાગ, વડોદરા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post