વડોદરા : શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં નદીમાં ગત વર્ષે આવેલા પૂર જેવું પૂર ન આવે તે માટે વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકારે કમર કસી છે. આગામી 100 દિવસમાં એટલે કે, ચોમાસા પહેલાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ ફેઝના કામ માટે સિંચાઇ વિભાગના એસ.ઓ.આર. મુજબ રૂપિયા 61 કરોડના ખર્ચે કામ કરવા માટે ઇજારદારો પાસેથી ભાવ મંગાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડરમા વિશ્વામિત્રી નદીમાં ચાર ભાગમાં કામ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
100 દિવસમાં કામ પુરૂ કરવા કવાયત ઉલ્લેખનીય છે કે, અગાઉ જે મશીનરી બેઝ કામ થવાનું હતું, તેના બદલે હવે ઘન મીટર પ્રમાણે કામગીરી કરવા માટે કોર્પોરેશને સિંચાઇ વિભાગના એસ.ઓ.આર. મુજબ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે આવેલ ભારે પૂરના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. આ વર્ષે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી છે અને લોકોની નારાજગીનો ભોગ ન બનવું પડે તે માટે પાલિકાનું તંત્ર હવે વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટને આગામી 100 દિવસમાં પૂરો કરવા માટે કવાયત હાથ ધરી છે.
રિ-ટેન્ડરિંગમાં મશીનરીના બદલે ઘન મીટર પ્રમાણે કામ પ્રથમ ફેઝમાં વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા અને તેને આનુસંગિક અસરકારક કામગીરી વહેલી તકે શરૂ કરવા માટે પાલિકા આતુર બની છે. આ માટે પાલિકા દ્વારા અગાઉ મશીનરી બેઝ કામગીરી કરવા રૂપિયા 58.80 કરોડનું ટેન્ડર બહાર પડ્યું હતું, પરંતુ તેમાં વિવાદ સર્જાયો હતો. આથી સિંચાઇ વિભાગના એસ.ઓ.આર. મુજબ ટેન્ડરિંગ કરવાનું નક્કી થયું હતું. આથી પાલિકા દ્વારા સિંચાઇ વિભાગના એસ.ઓ.આર. મુજબ વિશ્વામિત્રી નદીના 24 કિલોમીટરને ચાર ભાગમાં વહેંચીને કામ કરવા માટે રૂપિયા 61 કરોડનો અંદાજીત ખર્ચ મૂકી નવા ભાવો મંગાવતુ ટેન્ડર બહાર પાડ્યું છે.
Reporter: admin