તા.૫ મે- ‘આંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ દ્વારા નવી સિવિલના ઓડિટોરિયમ ખાતે ‘માતા અને બાળકના સ્વાસ્થ્યમાં મિડવાઈફની ભૂમિકા’ વિષય પર જ્ઞાનવર્ધક સેમિનાર યોજાયો હતો. જેમાં ૧૯ નાઈઝીરિયન ડેલિગેટ્સની સાથે દક્ષિણ ગુજરાતની ૦૭ નર્સિંગ કોલેજના ૩૧૦થી વધુ વિદ્યાર્થીઓ વર્કશોપમાં જોડાયા હતા.
આ પ્રસંગે ગાયનેક વિભાગના વડા ડો.રાગિણીબેન વર્મા એ જણાવ્યું હતું કે, સામાન્ય પ્રસૂતિ બાદ માતા લગભગ એક અઠવાડિયામાં પોતાની કાળજી લેવા સક્ષમ થાય છે, જ્યારે સિઝેરીયન કરાયેલી સ્ત્રીએ પોતાની તેમજ બાળકની કાળજી માટે સામાન્ય પ્રસૂતા કરતાં લાંબા સમય સુધી અન્ય ઉપર અવલંબિત રહેવું પડે છે. સગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતિ બાદ માતા તેમજ બાળકને વ્યક્તિગત સારવાર પૂરી પાડી માતા અને બાળમૃત્યુદર ઘટાડવામાં નર્સ પ્રેકિટસ ઈન મિડવાઈફ (એનપીએમ) પ્રોગ્રામ અને તેનો અભ્યાસ મહત્વપૂર્ણ હોવાનું તેમણે જણાવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં નવી સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ૯૩૮૦ પ્રસૂતિ કરાવવામાં આવી છે. જેમાં ૬૨૦૦ નોર્મલ અને ૩૧૮૦ સિઝેરિયન ડિલીવરીનો સમાવેશ થાય છે. નર્સ પ્રેકિટસ ઈન મિડવાઈફ (એનપીએમ) પ્રોગ્રામ શરૂ થવાથી ગુજરાતમાં સિઝેરીયન ડિલીવરીનું પ્રમાણ નોંધપાત્ર ઘટ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.ઈન્દ્રાવતી રાવે જીવનના દરેક તબક્કામાં માતાની ભૂમિકા મુખ્ય હોય છે એમ જણાવતા કહ્યું હતું કે, માતૃત્વ ધારણ કરવાના કોઈ પણ તબક્કે એટલે કે, સગર્ભા કન્ફર્મ થયાથી બાળકના જન્મ બાદ સગર્ભાની વિશેષ કાળજી જરૂરી હોય છે. નોર્મલ અને સિઝેરીયન બંન્ને ડિલિવરીમાં નર્સની અગત્યની ભૂમિકા છે.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, મિડવાઈફ એટલે એક એવી સ્ત્રી કે જે અન્ય સ્ત્રીને પ્રસૂતિ દરમિયાન મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય મિડવાઈફ દિવસ એ મિડવાઈફ્સના મહાન યોગદાનને સન્માન કરવાનો પણ અવસર છે. તેમણે વર્ષ ૨૦૦૯-૧૦થી રાજ્યમાં ચાલતા નર્સ પ્રેક્ટિસ ઈન મિડવાઈફ (એનપીએમ) કોર્સ વિષે માહિતી આપી જણાવ્યું હતું કે, રાજ્યની છ સરકારી અને એક ખાનગી કોલેજમાં ચાલતા આ કોર્ષની કુલ ૨૧૦ બેઠકો છે. નર્સિંગ ડિપ્લોમા કર્યા બાદ આ કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે. માતા અને બાળમૃત્યુ દર ઘટાડવા અને તંદુરસ્ત બાળક જન્મે એ એન.પી.એમ. કોર્સ અને મિડવાઈફનું લક્ષ્ય હોય છે. ગુજરાતમાં આ કોર્સ શરૂ કરતા પહેલા વર્ષ ૨૦૦૭માં રાજ્ય નર્સિંગના તજજ્ઞોએ સ્વિડન જઈ ટ્રેનિંગ લીધી હોવાનું તેમણે કહ્યું હતું. ટ્રેઈન્ડ મિડવાઇફ્સ નર્સના કારણે રાજ્યના હેલ્થ અને વેલનેસ સેન્ટરોમાં નોર્મલ ડિલીવરીનું પ્રમાણ વધ્યું છે.
ગર્ભાવસ્થાથી લઈ બાળકના જન્મ સુધી માતા અને બાળકની સુરક્ષાની સાથે માતાને ભાવનાત્મક રીતે મજબૂત બનાવવામાં ડોકટરોની સાથે મિડવાઈફ અને નર્સોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે એમ શ્રી કડીવાલાએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.પ્રિતીબેન કાપડીયા, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ એસો.ના નિલેશ લાઠીયા સહિત મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસૂતિ સમયે મેડિકલ દવા કે સાધન વગર માતાની ઈચ્છા અનુકૂળ પોઝિશનમાં કુદરતી વાતાવરણમાં પ્રસૂતિ થાય તો તે નેચરલ ચાઈલ્ડ બર્થ કહે છે. નોર્મલ ડિલિવરીથી જન્મ થતા બાળકોને સંક્રમણનું જોખમ ઓછુ રહે છે. જ્યારે માતાને ચાલવામાં તેમજ બેસવામાં કોઇ તકલીફ પડતી નથી. નોર્મલ ડિલિવરી પછી ઝડપભેર માતા ફિટ એન્ડ ફાઇન થઇ જાય છે, જ્યારે સિઝેરિયનમાં માતાને થોડા સમય સુધી રેસ્ટ કરવો ખૂબ જરૂરી હોય છે. નોર્મલ ડિલિવરીમાં બાળક તંદુરસ્ત હોવાના ચાન્સ વધારે રહેલાં હોય છે. નોર્મલ ડિલિવરીથી કમરનો દુ:ખાવો થવાના સંભાવના ઓછી થઇ જાય છે.
Reporter: News Plus