વડોદરા : પોલીસનું નામ પડે એટલે સામાન્ય વ્યક્તિને તો પસીનું છોટી જાય, અને નાના બાળકો તો ખાખી વર્દી જોઇ દોટ મુકે છે. આવા સંજોગો વચ્ચે વડોદરા શહેરમાં કોરોના કાળ દરમિયાન રસ્તા પરના બાળકોને સારૂ શિક્ષણ મળે એ માટે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પાઠશાળા શરૂ કરવામાં આવી હતી. જેને પોલીસની પાઠશાળા નામ આપવામાં આવ્યું હતુ.

આ પાઠશાળામાં આજે પણ 40 ઉપરાંત બાળકો સેવા ફાઉન્ડેશન હેઠળ નિયમીત શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે. કોરોના કાળની વડોદરાના એફ ડીવીઝનના ACP એસ.બી. કુંપાવતની ઓફીસ માંજલપુર પોલીસ સ્ટેશનના ઉપરના માળે હતી. તેઓ રોજની જેમ એ દિવસે પણ સરકારી ગાડીમાં ઓફીસે પહોંચ્યાં અને અચાનક તેમની નજર સાંકળા રોડની સાઇડમાં ચટાઇ પાથરી બેઠેલા બાળકો ઉપર પડી અને તેમને ડ્રાઇવરને કહ્યું ગાડી ઉભી રાખો.પોલીસની ગાડી અચાનક ઉભી થઇ એટલે સ્વાભાવિક છે લોકોની નજર પડેજ આ સાથે બાળકોની પણ નજર ગાડી ઉપર પડી અને ખાખી વર્દીમાં પોલીસ અધિકારીને જોઇ તેઓ ચોંકી ઉઠ્યાં હતા. રસ્તા પરથી પસાર થતા લોકો પણ આ દ્રશ્યો જોઇ રહ્યાં હતા. તેવામાં સુરેન્દ્રસિંહ કુંપાવતએ બાળકોની સામે બેઠેલા મહિલાને પુછ્યું તમે શું કરો છો ?ત્યારે મહિલાએ કહ્યું સાહેબ આ બાળકો સ્કુલમાં જઇ સારૂ શિક્ષણ મેળવી શકે તેવી તેમની પરિસ્થિતી નથી, અમારી સંસ્થા દ્વારા રસ્તા પર રહેતા બાળકોને શિક્ષણ પુરૂ પાડવાની કામગીરી કરે છે.જે રસ્તા પર આ બાળકો ચટાઇ પાથરી શિક્ષણ મેળવી રહ્યાં હતા, એ રસ્તા ઉપર નાના-મોટા હજારો વાહનોની અવરજવર રહેતી, જેથી અહીં બેસી ભણવું જીવ જોખમમાં મુકવા જેવું હતુ. આ પછી સુરેન્દ્રસિંહ કુંપાવત ત્યાંથી નિકળી ગયા અને પોલીસ સ્ટેશન પહોંચી એક ખુણો જે ડીટેઇન કરેલા વાહનો અને અન્ય સામાનથી ભરપુર હતો, તે જગ્યા ખુલ્લી કરાવી દીધી હતી.બીજા દિવસે જ્યારે તેઓ ઓફીસે જઇ રહ્યાં હતા, ત્યારે ફરી એજ જગ્યાએ ગાડી ઉભી રખાવી તેમણે મહિલાને કહ્યું મેડમ આ બાળકોને તમે સારૂ શિક્ષણ પુરુ પાડી રહ્યાં છો પણ જગ્યા ખુબ જોખમી છે, જો તમને વાંધો ના હોય તો આ બાળકોને તમે પોલીસ સ્ટેશન લઇ આવો ત્યાં તેમની માટે જગ્યા કરી દેવામાં આવી છે.

આ સાંભળી સેવા ફાઉન્ડેશનના પદમાબેનની સાથે બાળકો પણ ખુશ થઇ ગયા હતા.આ બાળકો રસ્તા પરથી માંજલપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં શિક્ષણ મેળવતા શરૂ થયા હતા. જે રીતે આપણા બાળકો સ્કુલ જાય ત્યારે તેમની પાસે બેગ, વોટર બેગ, પુસ્તકો અને યુનિફોર્મ હોય તેવી તમામ વસ્તુઓ આ બાળકોને પુરી પાડવામાં આવી 10-12 બાળકોથી શરૂ થયેલી શાળાને પોલીસની પાઠશાળા નામ આપવામાં આવ્યું અને છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 40એ પહોંચી છે.થોડા સમય પુર્વે એસ.બી કુંપાવતની વડોદરાથી બદલી થતા સ્ટાફની સાથે પોલીસ પાઠશાળાના બાળકોમાં પણ નિરાશા છવાઇ હતી. ત્યારે તેમણે કહ્યું ચિંતા ના કરશો હું અહીંયા નથી પણ આ સ્કુલ અહીં જ રહેશે. હવે તેમની ગેરહાજરીમાં પોલીસ પાઠશાળામાં અભ્યાસ કરતા આ બાળકોની દેખરેખ એસ.બી કુંપાવત સાથે જોડાયેલા મીતુલ પટેલ, ભાઉ, કાર્તિક બિલ્ડર જેવા અનેક મિત્રો રાખી રહ્યાં છે. આ સાથે તેમણે એક વોટ્સઅપ ગૃપ બનાવ્યું છે, જેમાં નિયમીત બાળકોની હાજરીથી લઇ તમામ વિગતો શેર કરવામાં આવે છે.ત્યારે હવે ખંભાત ખાતે ફરજ બજાવી રહેલા DYSP એસ.બી કુંપાવતનો ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ હતો. તેમના મિત્રો તો જન્મદિવસની શુભેચ્છા પાઠવવા જવાના જ હતા. પરંતુ જે પોલીસ અધિકારીએ રસ્તા પરના બાળકો માટે પાઠશાળા શરૂ કરાવી તે બાળકો પણ તેમને શુભેચ્છા પાઠવવા આતુર હતા. એટલે 40 જેટલા બાળકોને લકઝરીમાં ખંભાત પહોંચ્યાં, આ એસ.બી કુંપાવત માટે એક સરપ્રાઇઝ હતુ.ઓફીસમાંથી બહાર નિકળતા DYSP કુંપાવતે કહ્યું આખી બસ તો ભરીને નથી લાવ્યાં ને, ત્યારે તેમનો સ્ટાફ અને તમામ મિત્રો ખળખળાટ હસવા માંડ્યા અને લકઝરીમાંથી બાળકોને ઉતરતા જોઇ તેમણે કહ્યું, મારો 50મો જન્મદિવસ યાદગાર બની ગયો, આ ક્યારેય નહીં ભુલાય, અને તેમણે આ બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
Reporter: admin







