મરણપથારીએ પડેલા માંડવી દરવાજાને બચાવવા વિઠ્ઠલ મંદિરના પૂજારી હરીઓમ વ્યાસે આદરેલા તપનો ૧૮મો દિવસ છે.
અટલાદરા મંદિરના કોઠારી સ્વામી પણ ચિંતીત છે. હરીઓમ વ્યાસે જણાવ્યું હતું કે અમે 10 વર્ષથી સતત સંઘર્ષ કરી રહ્યા છીએ કે ચાર દરવાજા વિસ્તારની જાળવણી કરો અને છેલ્લા ચાર મહિનાથી માંડવીની હાલત પણ ખરાબ છે. 18 દિવસ થયા અને સાંસદ, ધારાસભ્ય, કમિશનર તથા મેયર, ચેરમેન પણ આવી ગયા અને કહ્યું કે ઝડપથી કામ શરુ થશે. આ બધી વાતો સાંભળીને અમે થાકી ગયા છીએ. આ રીતે ઉલ્લુ ના બનાવો, કામ શરુ કરવાના હોત તો ક્યારનું શરુ થઇ ગયું હોત. વડોદરા પાછળ કેમ છે તે મુખ્યમંત્રી જાણે છે. કમિશનર પાસે કામ કરાવો., એડિ.કમિશનર મુકો જે વારસાની સાચવણી કરે. વડોદરાની પ્રજા પૂર અને આફતોથી કંટાળી છે.
મુખ્યમંત્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે વિનંતી છે કે ચાર દરવાજા ન્યાય મંદિર અને માંડવીની પણ મુલાકાત લો અને પ્રત્યક્ષ સ્થિતી જુવો અને અમારી લાગણીને સમજો. અમે વડોદરાની સાચી સ્થિતી કહીશું કે વડોદરાનો વિકાસ થયો છે કે વિકાસની વાતો કરનારાનો વિકાસ થયો છે. રસ્તા , પાણી અને વારસાની પણ વડોદરામાં જાળવણી નથી. સર સયાજીરાવ ગાયકવાડે આપેલું સ્વચ્છ, સંસ્કારી અને સાંસ્કૃતિક વારસા વાળુ વડોદરા પાછું આપશો. માંડવી દરવાજામાં સ્વામિનારાણ ભગવાનની સ્થાપના કરાઇ હતી. આ અંગે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ કહ્યું કે માંડવી દરવાજો મહાપ્રસાદીનું સ્થાન છે. સંસ્થા તરફથી ભગવાનની મૂર્તિ પણ પધરાવાઇ હતી પણ હાલ તિરાડ પડી છે તો તંત્ર સચેત થાય અને કામ કરે તેવી પ્રજાની લાગણી છે. તંત્ર વહેલી તકે કાર્ય પુર્ણ કરે તેવી બીએપીએસ સંસ્થાના સંતોની લાગણી છે.
Reporter: admin







