દિલ્હી : કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે.
જે મુજબ હાઈવે પર અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર માણસને હવે 'રાહવીર' તરીકે ઓળખાશે અને તેને સરકાર તરફથી 25,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવશે.સામાન્ય રીતે રોડ અકસ્માત સમયે લોકો પોલીસ કે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાની બીકે ઘાયલ વ્યક્તિની મદદ કરતા અચકાતા હોય છે, પરંતુ હવે આ ડર રાખવાની કોઈ જરૂર નથી. આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે મદદ કરનાર વ્યક્તિએ પોલીસના ચક્કર કાપવા નહીં પડે.
ઉલટાનું, માનવતા બતાવીને ઘાયલને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને સરકાર 'રાહવીર' તરીકે ઓળખાવશે અને તેમને પ્રોત્સાહનના ભાગરૂપે ₹25,000નું ઇનામ પણ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોમાં રહેલા ડરને દૂર કરી એક સુરક્ષિત અને મદદરૂપ સામાજિક વાતાવરણ ઊભું કરવાનો છે.કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માતના પહેલા 7 દિવસની સારવાર ખૂબ મહત્ત્વની હોય છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે, ઘાયલ વ્યક્તિની 7 દિવસ સુધીની સારવાર અને દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ રકમ સીધી હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ખાનગી હોસ્પિટલો પણ પૈસાના અભાવે સારવાર રોકી ન શકે.
Reporter: admin







