અમદાવાદ: ગુજરાતના અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે એક ફિલ્મી દ્રશ્ય સર્જાયું છે. જેમાં વોન્ટેડ આરોપીને પકડવા પહોંચેલી આરોપીને પોલીસે પાંચમા માળેથી કૂદી જવાની ધમકી આપી છે. આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા છે. પોલીસ હાલ આરોપીને નીચે ઉતરવા માટે સમજાવી રહી છે અને તેની ધરપકડ માટે પ્રયાસ હાથ ધર્યા છે. જોકે, પોલીસ અને ફાયરની ટીમ દ્વારા એક કલાકથી વધુની ભારે જહેમત બાદ આરોપીને ઝડપી લેવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ નથી.
શું છે ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસ એક વોન્ટેડ આરોપની ધરપકડ કરવા માટે શિવમ આવાસ યોજનાના ફ્લેટમાં પહોંચી હતી. આ આરોપીનું નામ અભિષેક તોમર હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પહેલાં પોલીસથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે, તેમાં તે સફળ ન થતાં તેણે પાંચમાં માળેથી ગેલેરી દ્વારા બહારના ડક પર આવી ગયો હતો. અહીં પહોંચ્યા બાદ કોઈ રસ્તો ન દેખાતા આરોપીએ પોલીસને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતુ. આરોપી પોલીસને ધમકી આપી રહ્યો હતો કે, જો તમે મારી ધરપકડ કરી તો હું પાંચમા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી દઇશ. એક કલાકથી વધુ સમયથી પોલીસ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી.
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને ફાયરની ટીમે તમામ નેટ લગાવીને આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી, જેથી જો આરોપી પાંચમાં માળેથી પડતું મૂકે તો પણ તેને બચાવી લેવામાં આવે. નોંધનીય છે કે, આરોપી એવો આક્ષેપ લગાવી રહ્યો છે કે, પોલીસે ફરિયાદમાં ખોટી કલમો લગાવી મને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આરોપી ડક પર બેસીને સતત પોલીસ સાથે વાતચીત કરી રહ્યો હતો. પોલીસ અધિકારીઓના સમજાવ્યા છતાં આરોપી કોઈનું સાંભળવા તૈયાર નહતો. આરોપી એક જ વાતનું રટણ કરી રહ્યો હતો કે, જ્યાં સુધી મારી સામેની ખોટી કલમોને ફરિયાદમાંથી દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી હું હાજર નહીં થાવ.
Reporter: admin