News Portal...

Breaking News :

વાઘોડિયા રોડ પર બૂટલેગરનો બર્થડે ઉજવતા ટોળાનું પોલીસ સાથે બબાલ

2024-05-14 11:30:43
વાઘોડિયા રોડ પર બૂટલેગરનો બર્થડે ઉજવતા ટોળાનું પોલીસ સાથે બબાલ

વાઘોડિયા રોડ પ્રભાતનગર પાસે સોમવારે મોડી રાત્રે બૂટલેગરનો જન્મદિવસ ઉજવતા ટોળાએ બાપોદ પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. ટોળાએ રોડની વચ્ચે ફટાકડા ફોડી બૂમાબૂમ કરી મૂકી હતી. ટોળાએ પીસીઆરને ઘેરી અપશબ્દો બોલ્યા હતા. બાપોદ પોલીસે બૂટલેગર સહિતના ટોળા સામે રાજ્યસેવકના કામકાજમાં રૂકાવત સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

રવિવારે બાપોદ પોલીસ સ્ટેશનની પીસીઆર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાઘોડિયા રોડ પ્રભાતનગર ખાતે રાત્રે સવા બાર વાગ્યાની આસપાસ ટોળું ભેગું થઈ જાહેરમાં બૂમો પાડી, રોડ પર ફટાકડા ફોડતું જણાયુું હતું. ટોળુ ટેબલ પર 20થી 25 શિવમ લખેલી કેક મૂકી બૂમાબૂમ કરતું હતું. પોલીસે બૂમો નહીં પાડવા તેમજ ફટાકડા નહીં ફોડવાનું જણાવતા ટોળાએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી.

તેમાંથી બૂટલેગર શિવમ જતીન કહાર(રહે, ચંન્દ્રનગર સોસાયટી વાઘોડિયા રોડ)એ પોલીસને કહ્યું હતું કે, મારૂ નામ શિવમ છે, હું મારો જન્મદિવસ આ જ રીતે ઉજવીશ, કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારે અન્ય લાલી કહાર નામની વ્યક્તિએ પોલીસને કહ્યું કે, તમે અમને બંધ કરાવવાવાળા કોણ, અમે કોઈ કાયદો માનતા નથી. અમે જે કરીએ તે જ કાયદો. ટોળાએ પીસીઆરના ડ્રાઈવર સાથે બબાલ કરી પીસીઆર ઘેરી લીધી હતી.

ટોળાએ પોલીસ સાથે ઘર્ષણ કરી પીસીઆરને ઘેરી લીધી હતી. ઘણા લોકો સ્થળ પર ભેગા થઈ જતાં પીસીઆરના કર્મીએ કંટ્રોલ રૂમને જાણ કરી મદદ માગી હતી. તાત્કાલિક પાણીગેટ તથા બાપોદ પોલીસ સ્ટેશનના કર્મીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. વધુ પોલીસને આવતા જોઈ ટોળો ભાગી ગયું હતું.

પોલીસ સાથે ઘર્ષણ કર્યા બાદ બૂટલેગર શિવમ કહાર આખો દિવસ જન્મદિવસના પોતોના સ્ટેટસ સોશિયલ મીડિયા પર મૂકતો રહ્યો હતો. જોકે પોલીસ હજી તેને પકડી શકી નહોતી. પોલીસે વીડિયો ફૂટેજ સહિતના આધારે સ્થળ પર જે લોકો હાજર હતા. તેમની ઓળખ કરી તેઓને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે

Reporter: News Plus

Related Post