News Portal...

Breaking News :

વડોદરાની MSU ખાતે પાર્કિંગમાં વાહનો પર એકાએક વિશાળ વૃક્ષ પડતા અનેક વાહનોને નુકસાન, એક વિદ્યાર્થીની માંડ બચી.

2024-07-01 14:46:58
વડોદરાની MSU ખાતે પાર્કિંગમાં વાહનો પર એકાએક વિશાળ વૃક્ષ પડતા અનેક વાહનોને નુકસાન, એક વિદ્યાર્થીની માંડ બચી.


વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીના કેમ્પસમાં આવેલ પાર્કિંગ ખાતે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા. જેમાં એક મોપેડ સહીત ચાર જેટલા વાહનોને નુકસાન થયું છે. જયારે એક વિદ્યાર્થીની આ દુર્ઘટનાનો ભોગ બનતા માંડ બચી. આ મામલે યુનિવર્સીટી તંત્ર સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો.


વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના કેમ્પસમાં અનેક વિશાળ તેમજ વર્ષો જુના વૃક્ષો આવેલા છે. અને હાલ વરસાદી માહોલમાં કેટલી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના અનેક બનાવો બનતા હોય છે તેવામાં યુનિવર્સીટી તંત્ર દ્વારા વૃક્ષોના ટ્રિમિંગ સહિતની કામગીરી કરવામાં આવતી નથી. જેના પરિણામે ઘણી વખત વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે.  ત્યારે આજરોજ કોમર્સ ફેકલ્ટીની મેન બિલ્ડીંગ કેમ્પસમાં વાહન પાર્કિંગમાં આસોપાલવનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું.વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. 1 મોપેડ સહીત 4 જેટલા વાહનોને નુકસાન થયું છે. 


જયારે એક વિદ્યાર્થીની આ દુર્ઘટનાનો ભોગ બનતા માંડ માંડ બચી. તો આ મામલે વિદ્યાર્થીઓએ યુનિવર્સીટી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. જો યુનિવર્સીટીની પ્રોપર્ટીને કોઈ વિદ્યાર્થી દ્વારા નુકસાન પહોંચ્યું હોય તો યુનિવર્સીટી દ્વારા દંડ ફટકારવાવામાં આવે છે. પરંતુ હવે જયારે યુનિવર્સીટીની બેદરકારીના કારણે આટલા વાહનોને નુકસાન થયું તો તેની સામે યુનિવર્સીટી શું કરશે તે એક પ્રશ્ન સર્જાયો છે.આ મામલે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, "યુનિવર્સીટીના સત્તાધીશો ઊંઘમાં હોય તેમ લાગે છે. જેના કારણે આજે યુનિવર્સીટીમાં વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન થયું છે. ત્યારે આ વાહનોની જવાબદારી કોણ લેશે? હજી  આગામી દિવસોમાં આવી વધુ ઘટના બને તો નવાઈ નહિ."

Reporter: News Plus

Related Post