વડોદરા ખાતે વરસાદના પ્રારંભે જ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય તેમજ ભૂવાઓ પડવાની ઘટનાઓ સામે આવવા લાગી છે.
પરંતુ હાલ તો શહેરમાં પાલિકાની હલકી કામગીરીનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે. જેમાં સમા વિસ્તારમાં ભુવામાં એક બસ ફસાઈ ગઈ હતી જેને કાઢવા માટે હાઇડ્રો બોલાવામાં આવ્યો પરંતુ એ હાઇડ્રો જ રોડમાં ધસી જવાથી ફસાઈ ગયો.વડોદરા મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે પ્રશ્નો ઉઠયા. શહેરમાં ઠેર ઠેર ભુવાઓનું નવનિર્માણ થઇ રહ્યું છે. ત્યારે આવામાં સમા વિસ્તારમાં એક મસ મોટો ભુવો પડ્યાની ઘટના સામે આવી છે. અને આ ભુવામાં એક બસ ફસાઈ ગઈ હતી જેને બહાર કાઢવા હાઈડ્રો લાવવામાં આવ્યો હતો.
પરંતુ આ રોડ બનાવવામાં એટલી બધી નબળી કામગીરી કરવામાં આવી કે બસને કાઢવા માટે આવેલ હાઈડ્રો પણ રોડમાં ટાયર ફસાઈ જવાથી ભારે હાલાકી પડી. અને હવે આ હાઈડ્રોને કાઢવા માટે ક્રેન બોલાવવાની ફરજ પડી છે. જોકે, આ મામલે ઘટનાની જાણ થતા વોર્ડ નં.2ના મયુરભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યા. જ્યાં મયૂરભાઈનું નિવદેન સામે આવ્યું કે, "છેલ્લા 2-3 દિવસથી એકસામટો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હાલ સમા વિસ્તારમાં જે જગ્યાએ ભુવો પડ્યો છે તે જગ્યાએ થોડા સમય પહેલા પાણીની લાઈન નાખવામાં આવી હતી. ભુવો પડવાની માહિતી મળતા અધિકારીઓને જાણ કરવામાં આવી અને હાલ અધિકારીઓ કામ કરી રહ્યા છે."
Reporter: News Plus