News Portal...

Breaking News :

હાઉસિંગ સોસાયટી મનસ્વી રીતે વ્યકિતને સભ્યપદની નાપાડી શકે નહીં

2025-09-23 10:00:39
હાઉસિંગ સોસાયટી મનસ્વી રીતે વ્યકિતને સભ્યપદની નાપાડી શકે નહીં


અમદાવાદ: કોઈપણ હાઉસીંગ સોસાયટી સહકારી કાયદાની અને તે સોસાયટીના પેટા નિયમોની જોગવાઈ હેઠળ સભ્ય થવા માટે કાયદાકીય લાયકાત ધરાવતી કોઈપણ વ્યકિતને પોતાના સભ્ય તરીકે દાખલ કરવાની પૂરતા કારણો વિના ના પાડી શકે નહીં. 



આ મહત્ત્વનો ચુકાદો અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ (હાઉસીંગ) દ્વારા આપવામાં આવ્યો છે. જેમાં શહેરના સોલા, સાયન્સ સીટી રોડ પર આવેલ ધી એવરેસ્ટ એમ્પાયર્સ કો.ઓ.હા. સર્વિસ સો. લિમાં કાયદાકીય રીતે મકાન ખરીદનાર પિતા-પુત્રીના નામ શેર સર્ટિફિકેટમાં દાખલ નહીં કરવાના સોસાયટીના નિર્ણયને જિલ્લા રજિસ્ટ્રારે ફગાવતાં આ હુકમ કર્યો હતો અને બંને અરજદાર પિતા-પુત્રીના નામ સોસાયટીના સભ્ય તરીકે દાખલ કરી શેર સર્ટિફિકેટમાં પણ તેમના નામ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા 30 દિવસમાં પૂર્ણ કરવા સોસાયટીને હુકમ કર્યો હતો.


અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રારે પોતાના હુકમમાં ગુજરાત સહકારી કાયદાની વિવિધ જોગવાઇઓ અને નિયમોને ટાંકતાં જણાવ્યું હતું કે, સોસાયટી દ્વારા અરજદારની સભ્યપદ અંગેની અરજી સોસાયટીની વ્યવસ્થાપક સમિતિની પૂર્વ મંજૂરી વિના મકાન ખરીદ્યુ હોવાથી નામંજૂર કરી હતી. પરંતુ સોસાયટી સર્વિસ સોસાયટી હોવાથી તેને મિલકત ખરીદ વેચાણ કરવાની પ્રક્રિયામાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર રહેતો નથી. આ કેસમાં અરજદાર સહકારી કાયદા કાનૂન અને તેના નોંધાયલા પેટા નિયમોની જોગવાઈઓને આધીન રહીને સભ્યપદ માટે લાયકાત ધરાવતા હોવાનું જણાય છે. આ સંજોગોમાં અરજદારની અપીલ ગ્રાહ્ય રાખી સદર મિલકતના શેર અરજદાર પિતા-પુત્રી પ્રવીણભાઈ જશરૂપચંદ સિંઘવી તથા શિલ્પા પ્રવીણભાઈ સિંઘવીના નામે તબદલિ કરવા અને તેમના નામો સભ્યપદે દાખલ કરવાનો હુકમ કરવો યોગ્ય, વાજબી અને ન્યાયોચિત જણાય છે.અરજદારપક્ષ તરફથી જિલ્લા રજિસ્ટ્રારનું વિશેષ ધ્યાન દોરાયું હતું કે, ઉપરોકત સોસાયટી હાઉસીંગ સર્વિસ પ્રકારની સોસાયટી છે. સોસાયટીનો હેતું ફક્ત કોમન જગ્યામાં એમેનીટીસ પૂરી પાડવાનો છે. મિલકત ખરીદ-વેચાણમાં દખલ કરવાનો સર્વિસ સોસાયટીનો કોઈ જ પ્રકારનો અધિકાર હોતો નથી. ભારતીય બંધારણ મુજબ પણ કોઇપણ વ્યકિત મિલકત ખરીદીનો અધિકાર ધરાવે છે અને તેને કોઈપણ પ્રકારના અન્ય કાયદા કાનૂન કે પેટાનિયમથી બાધિત કરી શકાય નહી.

Reporter: admin

Related Post