સુરત : ગુજરાતભરમાં આજે શનિવાર 12 એપ્રિલ, 2025 હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે હનુમાનજી માટે 6 હજાર કિલોગ્રામનો મહાકાય બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે.
હનુમાનજીને 6 હજાર કિલો બુંદીનો લાડુ ભોગ ધરવામાં આવ્યો હતો અને હવે તેને દિવસભર ભક્તોને પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે.દેશભરમાં આજે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ભક્તો હનુમાન જયંતી ભવ્ય રીતે મનાવી રહ્યા છે. આ દરમિયાન સુરતના અટલ આશ્રમ ખાતે હનુમાન મંદિરમાં 9 એપ્રિલથી 6 હજાર કિલોગ્રામનો લાડુ તૈયાર કરવામાં આવી રહ્યો હતો, જે આજે શનિવારે હનુમાન જયંતીના દિવસે લાડુના પ્રસાદનો હનુમાન દાદાને ભોગ ચડાવામાં આવ્યો હતો. જ્યારે હવે દિવસભર શ્રદ્ધાળુઓમાં પ્રસાદનું વિતરણ કરાશે.
આશ્રમના મહંતે જણાવ્યું હતું કે, 'ગત વર્ષે આશ્રમના 50 વર્ષ પૂર્ણ થયા હતા, ત્યારે ભગવાનને 5555 કિલોગ્રામનો લાડુ તૈયાર કરાયો હતો. આ વર્ષે 6 હજાર કિલોગ્રામ તૈયાર કરવામાં આવેલા બુંદીના લાડુમાં 2-2 હજાર કિલોગ્રામ બેસન અને શક્કર સહિત 80-90 ઘી-તેલના ડબ્બા, 100 કિલોગ્રામ સુકો મેવો, 2 હજાર કિલોગ્રામ બુંદી-ગાઠીયા નાખવામાં આવ્યો છે. આ પ્રસંગે 30 હાજર જેટલાં ભાવિકો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Reporter: admin