વડોદરા: લાયસન્સ વગર છેલ્લા બે વર્ષથી સિક્યુરિટી એજન્સી ચલાવતા પરપ્રાંતિયને એસ.ઓ.જી.એ ઝડપી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો છે.
એસ.ઓ.જી.નો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, આજવા બ્રિજ પાસે આવેલ અમરદિપ બંગ્લોઝ ખાતે ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટીના સંચાલક પંડિત તિવારી વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવે છે અને અલગ - અલગ સોસાયટીમાં માણસોને સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખ્યા છે. જેથી, પી.આઇ. એસ.ડી. રાતડાની સૂચના મુજબ, સ્ટાફે અમરદિપ બંગ્લોઝ ખાતે જઇ તપાસ કરતા એક સિક્યુરિટી ગાર્ડ મળી આવ્યો હતો. તેણે પોતાનું નામ અનુપભાઇ બાબુભઆઇ પિત્રોડા જણાવ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે, હું છેલ્લા બે વર્ષથી ઓમ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી અને લેબર સપ્લાયમાં નોકરી કરૃં છું.
તેના સંચાલક આર.એસ.તિવારી (રહે. લકુલેશ નગર, આજવા રોડ) છે. જેથી, પોલીસે આર.એસ.તિવારીને કોલ કરીને સ્થળ પર બોલાવ્યા હતા. તેણે પોતાનું નામ રમાશંકર સતરામ તિવારી (રહે. સહજાનંદ લેન્ડ માર્ક, સિકંદરપુરા ગામ સામે, આજવા રોડ મૂળ રહે. ગામ કુમારગંજ, તા.મિલ્કીપુર, જિ.અયોધ્યા, યુ.પી.) હોવાનું જણાવ્યું હતું. પોતાની પાસે લાયસન્સ નથી અને છેલ્લા બે વર્ષથી આઠ બિન હથિયારી ગાર્ડ અલગ - અલગ સોસાયટીમાં રાખ્યા છે.તેણે ગાર્ડ તરીકે રાખેલા વ્યક્તિઓની કોઇ માહિતી રાખી નહતી તેમજ હાજરીનું રજીસ્ટર પણ રાખ્યું નહતું. જેથી, પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin