વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અમૃતપુરા ગામના મસ્તાનભાઈ પટેલ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. માંડ ૪૦૦ની વસ્તી વાળા ગામમાં રબનિસ્તભાઈ પટેલ ઉર્ફે મસ્તાનભાઈ ૫૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. પોતાના પૌત્રો કોલેજમાં અભ્યાસ કરે છે આટલી ઉંમરે મસ્તાનભાઈ વૈજ્ઞાનિક ઢબે ખંતથી ખેતી કરે છે.
મસ્તાનભાઈ પટેલે યુવાનીમાં કૃષિ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો ઉપરાંત પરિવાર વર્ષોથી કૃષિ સાથે સંકળાયેલો છે. આ બે કારણોને લીધે કૃષિ વિદ્યામાં તેમની માસ્ટરી છે. અમૃતપૂરામાં ૧૦૦ વીઘા જમીનમાં મસ્તાનભાઈ પંચસ્તરીય મલ્ટીક્રોપ એટલે કે ફ્રૂટ, એગ્રો ફોરેસ્ટ્રી, સિઝનલ પાક, અનાજ-કઠોળ જેવા પાકોનું વાવેતર કરે છે. તેઓ પોતાના ખેતરમાં કેરી, જમરૂખ, લીંબુ, સાગવાન, યુકેલિપ્ટ્સ, આંબળા, પપૈયા, અર્જુન છાલ, મીઠી લીંબડી, થાઇલેન્ડની પ્રખ્યાત મીઠી આંબલી, પામ ટ્રી વગેરે જેવા પાકોની ખેતી કરે છે. તેમણે ૨૫ હજાર જેટલા નીલગીરીના વૃક્ષો ઉછેર્યા છે.
રબનિસ્તભાઈ જણાવે છે કે IPMSમાં તેમની હથરોટી છે. એટલે કે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. આ થીયરીનું તેમણે ઈશ્વર પ્રેરિત જીવ વ્યવસ્થાપન એવું નામ આપ્યું છે. તેઓ કહે છે કે ખેતીમાં મિત્ર કીટક પાકના રક્ષણ માટે ખૂબ ઉપયોગી છે. આ વાત ખેડૂત ભાઈઓ એ ખાસ જાણવી જોઈએ.તેઓ ગુજરાતમાં કિટકોને જાણવા અને ઓળખવા માટે કીટક લેબ કે મ્યુઝિયમ બનાવવાનું પણ વિચારી રહ્યા છે. મસ્તાનભાઈ ૨૦ કરતા વધારે આંબાની જાત ઉછેરે છે. જેમાં મુખ્યત્વે કેસર, આમ્રપાલી, દશેરી, લંગડો, અંબિકા, સોનપરી, અરુણીકા, હાફૂસ જેવી મુખ્ય જાતનો સમાવેશ થાય છે. દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી કેરી માટે પણ તેમની આંબાવાડીમાં પ્રયોગ કર્યો છે. ઉપરાંત તેમણે કમર્શિયલ અને ઓરનામેન્ટલ બંને પ્રકારની માછલીઓ ઉછેરી છે. પોતાના ખેત તળાવમાંથી બારે માસ પિયત મળી રહે છે અને મસ્તાનભાઈ મોજથી ખેતી કરે છે.
Reporter: News Plus