ભુજ: ઓપરેશન સિંદૂર ને પગલે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ગુજરાતના બોર્ડર ડીસ્ટ્રીકટ કચ્છની સીમાએ આજે ગુરુવારે વહેલી સવારે એક ડ્રોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ખાવડા પાસે આવેલા સોલાર રીન્યૂએબલ એનર્જી પાર્ક માં કોટડા ચેક પોસ્ટથી આગળ 765 કેવીની હાઇટેન્શન વીજળીની લાઈન પાસે ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે. કચ્છ બોર્ડરે ભારતીય સુરક્ષા દળની ત્રણેય પાંખ હાઈ એલર્ટ ઉપર છે ત્યારે સામાન્ય કદ કરતા વિશાળ દેખાતું ડ્રોન કોનું છે, કેવી રીતે બોર્ડર ઉપર આવ્યું અને તે કયા સંજોગોમાં તૂટી ગયું કે બ્લાસ્ટ થયો તે અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો પ્રાપ્ત નથી થઈ. ઇન્ડિયન એરફોર્સની ટીમ દ્વારા બ્લાસ્ટ થયેલા આ ડ્રોનનો કબ્જો મેળવીને તેની વધુ તપાસ માટે ડ્રોનના તૂટેલા ભાગોને ભુજ એરબેઝ લઇ જવામાં આવ્યા છે.
કચ્છમાં તૈનાત ઇન્ટેલિજન્સ એજન્સી અને સુરક્ષા દળના વિવિધ સૂત્રો દ્વારા મળી વિગતો મુજબ, ખાવડા પાસેના RE પાર્કની 765 કેવીની હાઇટેનશન લાઈનની આસપાસ આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ જગ્યા ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાથી વીસેક કિલોમીટર અંદર ભારતીય રણ સીમા વિસ્તારમાં છે. ડ્રોનમાં બ્લાસ્ટ થયા બાદ તેને જે રીતે ભુજ એરબેઝ લઇ જવામાં આવ્યું છે તેને જોતા ડ્રોન ભારતીય સુરક્ષા દળ સાથે કનેક્શન ધરાવતું હોય તેવું નથી લાગી રહ્યું. બીએસએફના એક ઉચ્ચ અધિકારીએ વેબ ન્યૂઝ દુનિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ડ્રોન વહેલી સવારથી બોર્ડર એરિયામાં ફરતું હોવાની માહિતી મળી રહી છે. એટલે સંભવ છે કે, પાકિસ્તાન દ્વારા તેને ભારતીય ડિફેન્સની મુવમેન્ટની જાસૂસી કરવા માટે ઉડાવવામાં આવ્યું હોવાનું સંભાવના છે. અલબત્ત આ અંગેની હજુ ચકાસણી કરવાની છે.
Reporter: admin