વડોદરામાં અકોટા સ્ટેડિયમ ખાતે યોજાયેલ દિવ્ય કલા મેળામાં દિવ્યાંગ ઉધોગ સાહસિકો અને કારીગરો પોતાના અલગ અલગ ઉત્પાદનો લઈને આવ્યા છે.
આ મેળામાં અમદાવાદના ઘનશ્યામભાઈ પ્રજાપતિ પોતાના ઘરે જ બનાવેલા સેનેટરી પેડ્સ અને રેડીમેડ ગારમેન્ટ્સનું વેચાણ કરી રહ્યા છે.સમાજમાં મેન્સટ્રેશન અને સેનેટરી પેડ્સ વિશે નિશ્ચિંતપણે જાહેરમાં વાત કરવામાં હજી પણ લોકો સંકોચ અનુભવતા હોય છે. તેવા સમયમાં અમદાવાદનું દિવ્યાંગ દંપતી ઘનશ્યામભાઈ પ્રજાપતિ અને તેમના પત્ની અમદાવાદથી આ દિવ્ય કલા મેળામાં સેનેટરી પેડ્સ લઈને આવ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક મહિલાઓને જાતે સેનેટરી પેડ્સની હોમ ડિલિવરીની સેવા પણ આપી રહ્યા છે.પોતાના ઉધોગ સાહસ વિશે જણાવતાં ઘનશ્યામભાઈ કહે છે કે પહેલા તેઓ દેશભરમાં યોજાયેલ આવા પ્રદર્શનમાં ફક્ત સેનેટરી પેડ્સ લઈને જતા હતા.
પરંતુ હજી પણ મહિલાઓ સેનેટરી પેડ્સના સ્ટોલ પર જઈને ઊભા રહેતા સંકોચ અનુભવી રહી છે. આવી ઘટના વારંવાર થતા તેમણે સાથે રેડીમેડ ગારમેન્ટનું પણ વેચાણ કરવાની શરૂઆત કરી છે. હવે મહિલાઓ તેમના સ્ટોલ પરથી કપડાંની ખરીદી સાથે સેનેટરી પેડ્સ પણ ખરીદી રહી છે.દિવ્ય કલા મેળા માટે સરકારનો આભાર માનતા ઘનશ્યામભાઈ જણાવે છે કે આવા આયોજન થકી તેમના કાયમી ગ્રાહકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ થી વડોદરા સુધી તેમની પ્રોડક્ટ લોકો કુરિયર મારફતે પણ માંગવા માટે સંપર્ક કરી રહ્યા છે. પોતાના ધંધાને વિકસાવવામાં આવી મેળા ખુબજ ફળદાયી નીવડ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ દિવ્ય કલા મેળો ફક્ત પ્રદર્શન અને વેચાણ માટેનું માધ્યમ નહિ પરંતુ ઘનશ્યામભાઈ જેવા દિવ્યાંગ ઉધોગ સાહસિકો તથા કારીગરોને વાહક પીઠબળ આપવાનું કામ કરી રહ્યું છે.
Reporter: admin







