આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપરનાં કોંગ્રેસનાં ઉમેદવાર સુખરામભાઈ રાઠવાને જંગી બહુમતીથી વિજય મળે તે માટે ડભોઇ વિધાનસભા મત વિસ્તારનાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ચૂટણીલક્ષી માર્ગદર્શન આપવા અને આગામી સમય માટે રણનિતી ઘડવા તેમજ કાર્યકરો ઉત્સાહથી કોંગ્રેસનાં પ્રચાર કાર્યમાં જોડાય તે માટે ડભોઈના અડવાણી હોલ ખાતે એક સંમેલન યોજવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં ડભોઈના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા સિદ્ધાર્થભાઈ પટેલ હાજર રહયાં હતાં, કારણકે ડભોઇ વિધાનસભા મત ક્ષેત્રમાં તેઓ મજબૂત પકડ ધરાવે છે. જેથી તેમની ઉપસ્થિતિમાં સૌ કાર્યકર્તાઓને તેઓએ માર્ગદર્શન આપ્યું હતું અને ચૂંટણીલક્ષી કામગીરી કરવા માટે ઉત્સાહિત કર્યા હતાં.
આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ વકતવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે, કેન્દ્ર માં કોંગ્રેસની સરકાર આવશે તો તે ગરીબો, ખેડૂતો અને યુવાનોનાં હિતમાં કાર્ય કરશે આમ, કહી તેઓએ કાર્યકરોનો જોમ - જુસ્સો વધાર્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ડભોઈ શહેરમાંથી કોંગ્રેસનાં ઉમેદવારને વધુ મત મળ્યા હતાં. આમ, ડભોઈ નગર કોંગ્રેસનો ગઢ ગણાય છે. જેથી આગામી ચૂંટણીમાં પણ ડભોઈ નગર સાથે તાલુકામાંથી અને સમગ્ર વિધાનસભા મતક્ષેત્રમાંથી કોંગ્રેસને વધુ મત મળે તે માટે સૌ કાર્યકરોને કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડભોઇ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતિષભાઈ રાવલ, તાલુકા કોંગ્રેસ સમિતિના તાલુકા પંચાયત વિરોધ પક્ષનાં નેતા પ્રહલાદભાઈ પટેલ, ડભોઇ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા યોગેશ ઠાકોર, પક્ષનાં આગેવાન અને પાલિકાનાં સભ્ય સુભાષભાઈ ભોજવાણી, નૂરમહંમદ મહુડાવાલા, તાલુકાનાં અગ્રણી અને યુવા આગેવાન સુધીરભાઈ બારોટ તેમજ મોટી સંખ્યામાં નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનાં અંતે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Reporter: