વડોદરા: નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા નજીક આજે 14મી એપ્રિલ સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો.
રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પર સવાર મહિલા અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.આ અકસ્માત અંગે DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સવારે અંબા ચોકડી પાસે આવેલ GEB કટ નજીક આ ઘટના બની હતી. એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ સીધા કાર સાથે અથડાયા હતા.
ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું.'અકસ્માત બાદ અંદાજે 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડી રહ્યો હતો અને એમ્બ્યુલન્સ મોડી આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે એક કલાક સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. પરિસ્થિતિ વણસતા કપુરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમજાવટ બાદ હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. હાલ કપુરાઈ પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin







