વડોદરા શહેર જિલ્લો એ વ્યાયામ શાળાઓના કાશી જેવો છે. કારણ કે, મહારાજા સયાજીરાવ ત્રીજા જાતે વ્યાયામવીર હતા અને અખાડા પ્રવૃત્તિને રાજ્યનું પીઠબળ મળ્યું હતું.

વડોદરા શહેર અને જિલ્લામાં હજુ સંખ્યાબંધ જૂના અખાડા છે.જ્યાં શારીરિક કસરતોની પુરાણીની સાથે અદ્યતન જીમની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સંસ્થાઓ કસરત દ્વારા સ્વસ્થ જીવન અને જીવન શૈલીને પ્રોત્સાહિત કરી રહી છે.આવી જ એક વ્યાયામ શાળા છે પાદરાની સાર્વજનિક વ્યાયામ શાળા જે છેલ્લા ૧૧૧ વર્ષથી પરંપરાગત વ્યાયામ પદ્ધતિઓને સજીવન રાખીને અબાલવૃદ્ધ ને તંદુરસ્ત જીવનનો રાહ ચીંધી રહી છે. તેનું નવીનીકરણ ભલે થયું, પરંતુ અહીં હજુ પણ પુરાણા વ્યાયામ સાધનોનો કસરતપ્રેમીઓ ઉપયોગ કરી શકે છે.આમ, અહીં વ્યાયામ અને વ્યાયામ સાધનોનો ભૂતકાળ થી વર્તમાન હજુ જીવંત છે. હાલમાં સાર્વજનિક વ્યાયામ શાળાનું નેતૃત્વ જનક પટેલ કરી રહ્યા છે.તેમનું કહેવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સાક્ષાત્કારમાં આ વ્યાયામ શાળાને યાદ કરતા જણાવ્યું હતું કે,' પાદરાની મુલાકાત લેતો ત્યારે હું અહીં કસરત કરતો.'

આ સંસ્થા સાથે જોડાયેલા ઘણાં વ્યાયામવીરોએ સ્પર્ધાઓમાં ભાગ લઈને, ચંદ્રકો જીતીને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. તેના ઇતિહાસની ઝાંખી કરતા જણાય છે કે આ વ્યાયામ શાળાના નિર્માણ માટે જરૂરી જમીન સેજાકૂવાના દાતા ઠાકોરભાઈ જશભાઈ અમીને આપી અને ૧૯૧૭ થી આ જગ્યા તંદુરસ્તી રક્ષક અને વર્ધક વ્યાયામ પ્રવૃત્તિઓ થી સતત ધમધમે છે.તેનું સંચાલન સાત પદાધિકારીઓ ની સમિતિ કરે છે.આ પુરાણા વ્યાયામ વારસા સ્થળનું નવીનીકરણ ગુજરાત સરકારે અનુદાન ફાળવીને શક્ય બનાવ્યું હતું.સ્વર્ણિમ ગુજરાત મુખ્યમંત્રી યોજના હેઠળ મળેલા અનુદાનની મદદથી તેનું નવીનીકરણ અને અઘ્યતનીકરણ કરવામાં આવ્યું હતું. લગભગ ૫૦ સભ્યો સવાર અને સાંજના સત્રોમાં અહીં વ્યાયામ કરે છે અને છોકરીઓ માટે બપોર પછી અલાયદું સત્ર રાખવામાં આવ્યું છે. સભ્યોને યોગની તાલીમ આપવામાં આવે છે.કિશોરો થી લઈને વડીલો અહીં સીટ અપ્સ, મગદળની કસરતો, પુલ અપ્સ, ડબલ બાર એક્સરસાઇઝ કરતા જોવા મળે છે. અહીં નિયમિત કસરત કરતો કોલેજીયન જય પટેલ કહે છે કે,' અગાઉ મારા પિતા અને કાકા અહીં કસરત કરવા આવતા.હું એ પરંપરા આગળ વધારી રહ્યો છું અને તેની સાથે અહીંની તાલીમથી હું ૨૦૨૩ મા બોડી બિલ્ડિંગ અને પોઝિંગ સ્પર્ધામાં વિજેતા બન્યો હતો અને હાલમાં આગામી સ્પર્ધાઓ ની તૈયારી કરી રહ્યો છું. અહીંના જૂના વ્યાયામ સાધનોનો વારસો ગૌરવ સમાન છે.'આ વ્યાયામ શાળા માત્ર તંદુરસ્તી જાળવવાનું જ નહિ સામાજિક મિલન અને સમાજ ઘડતરની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની છે.






Reporter:







