વડોદરા લોકસભા બેઠક પર મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ શહેર-જિલ્લામાં SVEEP અને TIP અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન વેગવંતુ બન્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બિજલ શાહના અધ્યક્ષ સ્થાને સોમવારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ૫૦ જેટલા મોટા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરવામાં આવી હતી. બે હજારથી વધુ કર્મચારીઓ ધરાવતા આ મોટા ઉદ્યોગગૃહોમાં તમામ કર્મીઓ મતદાન અવશ્ય કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ અપીલ કરી હતી. આ ઉપરાંત ઉદ્યોગગૃહોમાં ફરજ બજાવતા તમામ કર્મીઓને સવેતન રજા આપીને મતદાન કરવા અને કરાવવા અંગે જાગૃતિ ઉભી કરવા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ૫૦ મોટા ઉદ્યોગગૃહો સાથે મહત્તમ મતદાન કરવા અંગે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર-જિલ્લામાં ૨૫૦ થી વધારે કામદારો ધરાવતી ઈન્ડસ્ટ્રીઝમાં ‘વોટર અવેરનેસ ફોરમ’ની માધ્યમથી મતદાન જાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિવેક ટાંક, વોટર અવેરનેસ ફોરમના નોડલ અધિકારીશ્રી શક્તિસિંહ ઠાકોર સહિત ઉદ્યોગગૃહોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: