જિલ્લા પંચાયત હેઠળના ડીએલપી અને નોન ડીએલપી માર્ગો ત્રણેક ચોમાસ પછી પણ રહ્યા અક્ષત

વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગો ઉપર ચોમાસ દરમિયાન પડેલા ખાડાઓ પૂરવાનું અભિયાન ચાલી રહ્યું છે. વાહનચાલકોને મુશ્કેલી ના પડે એ માટે નાનામોટા ખાડાઓ હોટ મિક્સ અને વેટ મિક્સથી પૂરવામાં આવી રહ્યા છે. લગાતાર ચાલી રહેલા અભિયાન વચ્ચે એક સુંદર વાત એ પણ જાણવા મળી છે કે જિલ્લામાં પંચાયત હેઠળના ૮૬ માર્ગો એવા છે કે જે માર્ગો છેલ્લા ત્રણેક ચોમાસામાં અક્ષત રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક વડોદરા જિલ્લામાં કુલ ૨૬૧૫ કિલોમિટરના માર્ગો આવેલા છે. એમાં મુખ્યત્વે ગામોના આંતરિક માર્ગો ઉપર બે ગામો વચ્ચે કડીરૂપ માર્ગો, ગામને મુખ્ય રાજમાર્ગ સાથે જોડતા રસ્તાઓનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ આ માર્ગો બનાવવામાં આવે છે.

ખાસ કરીને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાએ આસપાસમાં આવેલા બે ગામોને જોડવામાં આ યોજનાએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ઉક્ત કુલ કિલોમિટર પૈકી ૧૩૮૦ કિલોમિટર નોન ડિફેક્ટિવ લાયબિલીટી પિરીયડ અને ૯૩૮ માર્ગો ડીએલપી હેઠળના છે. ડીએલપી હેઠળના માર્ગો ઉપર નિયત સમયગાળા દરમિયાન જો નુકસાન થાય તો તે રિપેર કરવાની જવાબદારી સંબંધિત કોન્ટ્રાક્ટરની રહે છે. છેલ્લા ત્રણેક ચોમાસા દરમિયાન જિલ્લા પંચાયતના માર્ગો નુકસાન રહિત રહેવાનું પ્રમાણ નોંધનીય છે. તાલુકા વાર આવા માર્ગોની સંખ્યા જોઇએ તો કરજણ તાલુકામાં ૨૭, પાદરામાં ૧૦, વાઘોડિયામાં ૫, ડભોઇ-શિનોરમાં ૧૭, સવાલી-ડેસરમાં ૧૬ અને વડોદરા તાલુકામાં ૧૧ માર્ગો નુકસાન રહિત રહ્યા છે. હાલમાં માર્ગોમાં ખાડા પડવાના મુખ્ય કારણોમાં માર્ગ નીચે જમીનનું બંધારણ, ભારે વાહનોની સતત અવરજવર સહિતના કારણો મુખ્ય છે. જ્યારે, ગ્રામ્ય વિસ્તારોમાં આ કારણોથી વિપરિત સ્થિતિ હોય છે. એથી માર્ગોમાં નુકસાન થવાની સંભાવનાઓ ઓછી રહે છે.





Reporter:







