ગાઝા: ઇઝરાયલે હવે હોસ્પિટલોને પણ ટારગેટ કરવાનું શરૂ કર્યું છે. આંતરરાષ્ટ્રીય આક્રોશ વચ્ચે પણ ઇઝરાયેલના જારી હુમલામાં 82ના મોત થયા છે અને તેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, એમ ગાઝાના આરોગ્ય મંત્રાલય અને એરિયા હોસ્પિટલોએ જણાવ્યું હતું.
ઇઝરાયેલે ગાઝાવાસીઓને આખુ ઉત્તરી ગાઝા ખાલી કરી દેવાનો આદેશ આપ્યો છે. ઇઝરાયલે અલ અવદા હોસ્પિટલ પર કરેલા ડ્રોન હુમલાના લીધે હોસ્પિટલ સ્ટાફની હિલચાલ મર્યાદિત થઈ ગઈ હતી. હોસ્પિટલના ડિરેક્ટર ફોન પર હતા ત્યારે આ હુમલો થયો હતો. આ ઉપરાંત અગાઉ ઇઝરાયલે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો પર પણ હુમલો કર્યો હતો. ઇઝરાયલના હુમલાના કારણે ગાઝાની ૨૦ લાખની વસ્તીને આરોગ્ય સેવા પૂરી પાડતી 36 હોસ્પિટલમાંથી 20 અંશત: ધોરણે માંડ-માંડ ચાલી રહી છે. ઇઝરાયેલના લશ્કરી દળો હવે ફક્ત હોસ્પિટલ પર બોમ્બાર્ડિંગ જ કરી રહ્યા છે તેવું નથી, તેના પર રીતસરનો કબ્જો જમાવી રહ્યા છે. તેની સાથે સ્ટાફના બહાર આવવા જવા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે. તેમા પણ એકમાત્ર બચી ગયેલા મેડિકલ સેક્ટર અલ-અવદા હોસ્પિટલને અલગથલગ પાડી દીધું છે. તેની બધી જ કમ્યુનિકેશન ચેનલ બંધ કરી દીધી છે. આના લીધે હોસ્પિટલો માટે લોકોને તબીબી સહાય પૂરી પાડવી અઘરી પડી છે.
00:00
/
01:22
જો કે તેઓને સૌથી વધુ ડર તો ગમે ત્યારે ખાબકતા ઇઝરાયેલના ડ્રોનનો છે. હવે ગાઝામાં તબીબી સેવા સંપૂર્ણપણે ખતમ થઈ જાય તે દિવસો બહુ દૂર નથી. ઇઝરાયેલ આખા ગાઝાને સાફ કરવા તરફ આગળ વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે આગામી દિવસોમાં ગાઝામાં હેલ્થ સર્વિસ સંપૂર્ણ ખતમ થઈ જશે. ઇઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં યુએનના ૧૦૦થી પણ વધુ આરોગ્ય કર્મચારીઓના મોત થયા છે. આ બધા સામે ઇઝરાયેલનો દાવો છે કે હમાસના આતંકીઓ હોસ્પિટલોને કમાન્ડ સેન્ટર બનાવતા હોવાથી અમારે હુમલા કરવા પડે છે.
Reporter: admin