મેગડેબર્ગ : જર્મનીના મેગડેબર્ગમાં ક્રિસમસ માર્કેટમાં ખરીદી કરતાં લોકોની ભીડ પર એક કાર ફરી વળી હતી.
આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસે કાર ચલાવનારા 50 વર્ષીય સાઉદી અરેબિયન ડોક્ટરની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ થતાં સાઉદી અરેબિયાએ આ અકસ્માતની આકરી ટીકા કરી હતી. પહેલા એવા અહેવાલ હતા કે આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા, પરંતુ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે હજુ સુધી માત્ર બે જ લોકોના મોત થયા છે.
સેક્સની-એન્હાલ્ટ રાજ્યના વડા રેનર હેસેલહોફે આ ઘટના વિશે જણાવ્યું હતું કે કારચાલક વ્યક્તિ એક ડૉક્ટર છે જે બે દાયકાથી જર્મનીમાં કાયમી નિવાસી તરીકે રહે છે. તેમણે એમ પણ કહ્યું કે આ એકમાત્ર ગુનેગાર છે અને શહેર માટે અન્ય કોઈ ખતરો નથી. પોલીસે વાહનમાં વિસ્ફોટકો હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ તપાસમાં કોઈ વિસ્ફોટક મળી આવ્યા નહોતા. આ ભયાનક ઘટના સમયે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને બજારમાં પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને કારચાલક વ્યક્તિની ધરપકડ કરી હતી. સ્થાનિક વહીવટીતંત્રએ કહ્યું કે પોલીસે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. તે વ્યવસાયે ડોક્ટર છે અને સાઉદી અરેબિયાનો રહેવાસી હોવાનું કહેવાય છે. કારમાં તે એકલો હતો.
Reporter: admin







