વડોદરા : અષાઢ સુદ,બીજ (અષાઢી બીજ), રવિવાર, ૭ જુલાઈ-૨૦૨૪ ના શુભ દિવસે, ઈસ્કોન મંદિર વડોદરા દ્વારા ૪૩મા વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
ઇસ્કોનનાં સંસ્થાપકાચાર્ય અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે જગન્નાથ રથયાત્રાનું આયોજન વિશ્વના અનેક શહેરો કર્યું અને તેને એક વૈશ્વિક ઉત્સવ બનવ્યો છે. વિશ્વના અનેક નગરોમાં જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં લાખો લોકો ભાગ લે છે. દર વર્ષે ઇસ્કોન દ્વારા વિશ્વભરમાં ૧૦૦૦ થી વધુ રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ વડોદરા નગરનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ છે, જેમાં વડોદરાવાસીઓનો અસાધારણ સહયોગ હોય છે. લાખો નગરવાસીઓ આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાય છે.
દર વર્ષે પુરીમાં જેમ ગજપતિ મહારાજ ભગવાન જગન્નાથના રથની સન્મુખ માર્ગની સફાઇ કરે છે તેમ વડોદરાના મેયર પિન્કી સોની અન્ય મહાનુભાવો સાથે, પરંપરાને અનુસરી રથયાત્રા સવારીની પાહિંદ વિધિ કરશે અને વડોદરા રેલ્વે સ્ટેશનથી બપોરે ૨:૩૦ કલાકે રથયાત્રા પ્રારંભ થશે. રથપ્રસ્થાન વિધિ પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહેશે. ઈસ્કોનના આ જીવન સભ્યો, સમર્થકો તથા વિશાળ જનમેદની આ અવસર પર હાજર રહેશે.ઈસ્કોનના સંન્યાસી પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી તથા અનેક વરિષ્ઠ ભક્તો આ મહોત્સવની શોભાવૃદ્ધિ કરશે. ભારતના વિવિધ શહેરો અને ગામડાંઓનાં ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાશે.ઈસ્કોન મંદિરનાં ભક્તો દ્વારા પ્રભુપાદના દિવ્યગ્રંથોનું વિતરણ કરવામાં આવશે.રથયાત્રા દરમિયાન રથ પાછળ દેશી ઘીમાં બનેલા 35,000 કિલો (35 ટન) શીરા (હલવા પ્રસાદ) નું વિતરણ કરવામાં આવશે. જેનો હજારો લોકો લાભ લેશે.
Reporter: News Plus