કારેલીબાગની મહિલાને 15 કિલો સોનાના નકલી સિક્કા આપી 41લાખ પડાવનાર ગેંગના સાગરીત પકડાયોવડોદરાઃ કારેલીબાગની મહિલાને સોનાના ડુપ્લિકેટ સિક્કાઓ પધરાવીને રૃ.૪૧લાખ પડાવી લેવાના બનેલા બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગેંગના વધુ એક સાગરીતને ઝડપી પાડી વાસદ પોલીસને સોંપવા તજવીજ કરી છે.
કારેલીબાગ વિસ્તારમાં રહેતી સિનિયર સિટિઝન મહિલાને ત્રણ વર્ષ પહેલાં શાકમાર્કેટમાં મળી ગયેલા ગઠિયાએ સોનાના એક ગ્રામના બે સિક્કા બતાવી આવા સંખ્યાબંધ સિક્કાઓ મળ્યા હોવાનું કહી વિશ્વાસમાં લીધી હતી.મહિલાને જૂના સિક્કાઓ સંગ્રહ કરવાનો શોખ હોવાથી તેણે સિક્કાની તપાસ કરાવી હતી.જે સિક્કા અસલી હોવાથી મહિલા બીજા સિક્કા લેવા તૈયાર થઇ હતી.
એક ગઠિયો અને તેની સાથેની મહિલાએ સિક્કા લેવા આવેલી વડોદરાની મહિલા અને તેની પુત્રીની કારમાં બેસી રસ્તો બતાવ્યો હતો અને ડાકોર રોડ પર વિવાન પાર્ટી પ્લોટ પાસે ત્રીજો એક ગઠિયો સિક્કા લઇને આવ્યો હોવાથી તેને રૃ.૪૧લાખ આપીને ૧૫કિલો સિક્કા ખરીદ્યા હતા.
જો કે મહિલાએ ઘેર જઇને તપાસ કરતાં આ સિક્કા ડુપ્લિકેટ હોવાનું ખૂલ્યું હતું.જેથી તેની પુત્રીએ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.આ ગુનામાં વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં સંતોષી નગરમાં રહેતા વિજય ધૂળાભાઇ મારવાડીનું નામ ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને હેતલ તુવરની ટીમે વિજયને ઝડપી પાડયો હતો.
Reporter: News Plus