મંડી : હિમાચલ પ્રદેશમાં ભયંકર હિમવર્ષા પડવાના કારણે ત્રણ નેશનલ હાઇવે પર બરફની ચાદર ફેલાઈ ગઈ છે, 174 રોડ બંધ કરાયા છે, 300 બસો સહિત 1000 વાહનો રસ્તા પર ફસાયા છે.

અહીં સિઝનનો બીજો ભયાનક હિમપ્રપાત પડ્યો છે, જેના કારણે હિમાચલ વાસીઓની સાથે ત્યાં ગયેલા અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે. અટલ ટનલ પાસે 4000 મુસાફરો ફસાઈ ગયા છે. હવામાન વિભાગે ગુરુવાર સુધી બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડીમાં ભીષણ ઠંડી પડવાની આગાહી સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં હિમાચલ પ્રદેશ જવાનું વિચારતાં લોકો મુશ્કેલીમાં ફસાઈ શકે છે.સોમવારે હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં સિઝનની બીજી હિમવર્ષા નોંધાઈ હતી.
રોહતાંગમાં સૌથી વધુ 30 સેમી હિમવર્ષા થઈ છે. મનાલી, કુફરી, કીલોંગ, ડેલહાઉસી અને રાજધાની શિમલામાં 10થી 15 સેમી હિમવર્ષા નોંધાઈ છે. ઉપર આવેલો શિમલાનો વિસ્તાર અને કિન્નૌર રાજધાની શિમલાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. મનાલી રોહતાંગ નેશનલ હાઇવે પર ત્રણ રોડ બંધ થઈ ગયા છે. નારકંડા નેશનલ હાઇવે, થિયોગ-રોહરુ એનએચ અને થિયોગ-ચૌપાલ હાઇવે સહિત 174થી વધુ રસ્તાઓ વાહનો માટે બંધ કરાયા છે. હિમવર્ષા બાદ મનાલી સહિત વિવિધ સ્થળોએ આ રસ્તાઓ પર 300થી વધુ બસો અને 1000 નાના વાહનો તેમજ અન્ય સ્થળોએ 1000થી વધુ વાહનો ફસાયેલા છે. 680 વીજળી ટ્રાન્સફર ઠપ થઈ ગઈ છે, જેના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે.
Reporter: admin