હરિયાણા પોલીસે નામચીન બૂટલેગર નિલેશ ઉર્ફે નિલુ હરેશ સિંધીને હરિયાણામાં પકડાયેલા વિદેશી દારૂના કેસમાં વડોદરા આવીને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ નિલુ સિંધીનું દારૂનું ગોડાઉન પકડાયું હતું.
આ કેસમાં પોલીસે આજે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કુખ્યાત બુટલેગર નિલુ સિંધીએ પતરાના શેડમાં ગોડાઉન ઊભું કર્યું હતું. આટલી માત્રામાં દારૂ ક્યાંથી લાવ્યા અને કોને સપ્લાય કરવાના હતા? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના ખોડિયારનગર રોડ સાંઈ શ્રદ્ધા સોસાયટી પાસે આવેલા ખાટુ શ્યામ મંદિર પાસેથી બૂટલેગર નિલુ સિંધી પકડયો હતો. નિલુ તેના ગોડાઉન બહાર જ ઉભો હતો ત્યારે હરિયાણા પોલીસે આવીને તેને દબોચી લીધો હતો. દારૂ ગોડાઉન ઉપર તે આવ્યો હતો, જોકે તે કટિંગ થઈને શહેરમાં સપ્લાય થાય તે અગાઉ શહેર પોલીસે તેને પકડી પાડ્યો હતો.
આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે દારૂ સહિત પોલીસે 6 વાહન, ફોન મળીને 28.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કાલુ ઉર્ફે કાલુ ટોપી સુંદરદાસ ટેલવાણી(રહે, વલ્લભ ઓરસીટ ડુપ્લેક્ષ, ન્યુવીઆઈપી રોડ), પ્રશાંત રાજુભાઈ જાદવ(રહે, માધવનગર, આજવા રોડ) દિપારામ તારારામ બેરડ(રહે, સિદ્ધનાથ પાર્ક, ખોડિયાર નગર, મુળ રાજસ્થાન) તથા રુપારામ પુનમારામ નેણ(રહે, શ્રી સિદ્ધનાથ પાર્ક, ખોડિયાર નગર, મુળગુડગાંવ) તથા એક સગીરને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.
Reporter: admin