વડોદરા જિલ્લાના પાદરા પાસે ચેકિંગમાં રહેલી વડુ પોલીસે આ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા...
ચંડોળા ખાતે બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહીનો મામલો દેશભરમાં ગરમાયો છે. અમદાવાદના ચંડોળા તળાવ ખાતે રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરતા 30 બાંગ્લાદેશીઓ પોલીસને થાપ આપીને ભાગ્યા હતા. જો કે વડોદરા જિલ્લાના પાદરા પાસે ચેકિંગમાં રહેલી વડુ પોલીસે આ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ચંડોળા તળાવથી આ બાંગ્લાદેસીઓ પાદરાના ભોજ ગામે પહોંચતા જ પોલીસે તમામને દબોચી લીધા હતા. હવે ભાગી છુટેલા આ બાંગ્લાદેશીઓના દસ્તાવેજો ચેક કરીને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. પકડાયેલા આ શખ્સોમાં 6 પુરુષ તથા 9 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનિય છે કે રાજ્યભરમાં બાંગ્લાદેશીઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે જેમાં ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા તમામ લોકોના દસ્તાવેજો ચેક કરાઇ રહ્યા છે. જે શખ્સો બાંગ્લાદેશની નાગરિકતા ધરાવતા નિકળે છે તેમની પૂછપરછ કરાઇ રહી છે. તેઓ ક્યા રસ્તે બાંગ્લાદેશથી ઘુસણખોરી કરીને આવ્યા હતા તથા તેમને કોણે મદદ કરી હતી, તેમના સ્થાનિક સંપર્કો કોણ છે અને તેમના સગાસબંધીઓ પણ ક્યાં રહે છે તેની તપાસ ચાલી રહી છે ત્યારે ચંડોળા તળાવ પાસે રહેતા 30 બાંગ્લાદેશીઓ પોલીસને થાપ આપીને ભાગી છુટ્યા હતા બીજી તરફ ગુરુવારે રાત્રે ચેકીંગમાં રહેલી વડોદરા જિલ્લાની વડુ પોલીસે શંકાસ્પદ લોકોની ચકાસણી શરુ કરી હતી જેમાં આ 30 લોકો પોલીસની નજરમાં આવ્યા હતા જેથી તેમની તપાસ કરાતા તેઓ ચંડોળા તળાવથી ભાગ્યા હોવાનું જણાતા પોલીસ ચોંકી ઉઠી હતી અને તમામની પૂછપરછ શરુ કરી હતી. પોલીસ હવે આ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે.
Reporter: admin