News Portal...

Breaking News :

દાદા ભડકયા,માનવતા ચૂક્યા, 1156 કરોડનાં કામનાં ખાતમૂહુર્ત કે લોકાર્પણ કર્યા એટલે દાદા જે બોલે તે સાંભળી લેવાનું ?

2025-05-03 13:34:14
દાદા ભડકયા,માનવતા ચૂક્યા, 1156 કરોડનાં કામનાં ખાતમૂહુર્ત કે લોકાર્પણ કર્યા એટલે દાદા જે બોલે તે સાંભળી લેવાનું ?



વડોદરાનાં જાહેર કાર્યક્રમમાં અચાનક મૃદુ મુખ્યમંત્રી બની ગયા, નિષ્ઠુર મુખ્યમંત્રી.....

*મન, વચન, કર્મ ની વાતો કરવાની અને બીજી બાજુ સત્તાનાં મદમાં પિડીત મહિલાઓની વેદના-વ્યથાને જાહેરમાં નહી સાંભળવાની ?*.... 
*કોઈ નાગરિકની વેદના કે વ્યથા ને દબાવી દેવી એ કેટલી વ્યાજબી ?
*ભોગ બનેલા પોતાની રજૂઆત કરવા ક્યાં જાય?*..
*દાદા ભાન ભૂલ્યા.જીભ લપસી. સામાન્ય રજૂઆતને, સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો કહીને મહિલાનું જાહેરમાં અપમાન કરવું તે મુખ્યમંત્રીને શોભે નહી.જેના પરિવારોમાં બાળકોના મૃત્યુ થયા હોય,વળતર અપાયું ના હોય.પાલિકા કે સ્કુલ સંચાલકો સામે કોઈ કાર્યવાહી થઈ ના હોય,એવા ભોગ બનેલાનું જાહેરમાં અપમાન કરવું કેટલું વ્યાજબી ? નજર કેદ કરવા લાંબા સમય સુધી પોલીસની નિગરાણી-નજરકેદ હેઠળ રાખવા કેટલું વ્યાજબી?*..


વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના 1156 કરોડના વિકાસના કામો માટે વડોદરા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરણી બોટ કાંડની પીડિત મહિલાઓ સાથે કરેલા વ્યવહારથી ખળભળાટ મચી ગયો છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાણીતા ભૂપેન્દ્રભાઈ પટેલને મહિલાઓ રજૂઆત કરવાનો પ્રયાસ કરતી હતી ત્યારે તેમને યોગ્ય પ્રત્યુત્તર આપવાના બદલે નિષ્ઠુર થઈને જવાબ આપ્યો હતો. જે સાંભળતા જ કાર્યકરો-મીડિયા-હોદ્દેદારો સ્તબ્ધ થઇ ગયા હતા. મુખ્યમંત્રીનો આવો વ્યવહાર ગુજરાત અને વડોદરાની જનતાએ પહેલીવાર જોયો હતો. નેતાઓના બતાવવાના અને ચાવનાના દાંત જુદા હોય છે. મુખ્યમંત્રી ગુરુવારે સાંજે વડોદરા આવી ગયા હતા અને સવારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા પંડિત દિનદયાળ ઓડિટોરીયમમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓ પોતાનું ભાષણ શરુ કરે તે પહેલાં જ હરણી બોટ કાંડમાં ભોગ બનેલી 2 મહિલાઓ ઉભી થઇને અમને દોઢ વર્ષથી ધક્કા ખવડાવામાં આવે છે.તમને મળવા દેતા નથી. તેમ બોલતાં જ મુખ્યમંત્રીએ મિજાજ ગુમાવ્યો હતો અને તેમની જીભ લપસી હતી અને ત્યારબાદ આખા કાર્યક્રમની મજા બગડી ગઈ હતી. આ પ્રકારનો જવાબ કે વર્તન એક મુખ્યમંત્રીને શોભે નહીં તેવી લાગણી વડોદરાની જનતામાં જોવા મળી રહી છે. મુખ્યમંત્રી રાજા છે અને જ્યારે પ્રજા તેમની સમક્ષ ફરિયાદ કરવા આવે ત્યારે તેમણે શાંતિથી તેમને સાંભળવી જોઇએ. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ, તમે સ્પેશિયલ એજન્ડા લઇને આવ્યા છો તે પ્રકારની વાતો કરતાં હોલમાં ઉપસ્થિત મીડિયા પણ સ્તબ્ધ થઇ ગયું હતું. મુખ્યમંત્રીના નિષ્ઠુર સ્વભાવનો વડોદરા અને ગુજરાતની જનતાને પહેલીવાર પરચો થયો હતો. આ કાર્યક્રમ ભરચક હતો પણ તેમાં 90 ટકા લોકો ભાજપના કાર્યકરો હતા અને મુખ્યમંત્રીએ જ્યારે નિષ્ઠુર બનીને બંને મહિલાઓને સાંભળી નહી અને એજન્ડા ચલાવો છો જેથી વડોદરા ભાજપના આ કાર્યકરો પણ હરણી બોટકાંડના પીડિતો પ્રત્યે સહાનુભુતિ દાખવીને મદદ કરવાના બદલે તેમની પીડાની હાંસી ઉડાવતા જોવા મળ્યા હતા અને ભારત માતાકી જયનાં નારા લગાડી મહિલાઓની વેદનાંને દબાવવા પ્રયત્ન થયો હતો. મુખ્યમંત્રીએ એ જાણવાની જરુર હતી કે હરણી બોટકાંડમાં આ મહિલાઓએ પોતાના વ્હાલસોયા બાળકો ગુમાવ્યા હતા અને જવાબદારો હજુ પણ સજા વગરના રહ્યા છે. આ કેસમાં ગંભીર બેદરકારી દાખવનારા કમિશનરો એચ.એસ.પટેલ કે ગોલ્ડ મેન વિનોદ રાવ સામે પણ કોઇ પગલાં લેવાયા નથી. તે વખતનાં કમિશનર દિલીપ રાણાએ માત્ર એકતરફી તપાસ જ કરી હતી. આજે વડોદરાના કાર્યક્રમમાં પ્રજાના અવાજને દબાવાનો પ્રયાસ થયો હતો. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી પાસે આવી અપેક્ષા ક્યારેય ગુજરાતે રાખી નથી. પોતાની વ્યથા સંભળાવી રહેલી મહિલાઓને પોલીસે ઘેરી લીધી હતી અને ભાજપના સિનીયર કાર્યકરો અને સભા સેક્રેટરી ચિંતન દેસાઈ સુદ્ધાં કુદી પડ્યા હતા. બહેનોને બહાર કાઢવા આદેશ કર્યો હતો. આ કાર્યક્રમમાં સભા સેક્રેટરીની જવાબદારી પાલિકા માં સામાન્ય સભામાં સંકલનની હોય છે પણ સંગઠનને વહાલા થવા પોલીસનું કામ કરવા સભા સેક્રેટરી વચ્ચે કુદી પડ્યા હતા. મૃદુના બદલે નિષ્ઠુર મુખ્યમંત્રી બની ગયા છે. મહિલાઓ સાથેના વર્તન અને મુખ્યમંત્રીના જવાબ અને વર્તનના પગલે વિશ્વામિત્રી પ્રોજેક્ટ જેવો ગંભીર વિષય આજે ભુલાઇ ગયો હતો. 

મહિલાઓની ઉગ્ર રજૂઆત સામે મુખ્યમંત્રીનો ઉગ્ર પ્રતિભાવ...

18 જાન્યુઆરી 2024ના રોજ હરણી બોટ કાંડ થયો હતો. તે દૂર્ઘટનાને આજે 1 વર્ષ ને 4 મહિના વિતી ગયા છે. સમગ્ર કેસમાં સરકાર, કોર્પોરેશન અને પોલીસ તંત્ર સંવેદના વગરનું થઇ ગયું છે. પોતાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને બચાવવા માટે સરકારે અને કોર્પોરેશને અથાગ પ્રયાસો કર્યા છે પણ મૃત બાળકોના માતા પિતાને હજુ પણ ન્યાય મળ્યો નથી . દોઢ વર્ષથી જ્યારે મૃતક બાળકોના માતા પિતા ન્યાય માટે ઝઝુમી રહ્યા હોય અને તે વખતે વડોદરામાં જો મુખ્યમંત્રી આવે તો સ્વાભાવીક છે કે તેઓ મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત કરે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે તે વખતે તેમની રજૂઆતો સાંભળીને અધિકારીઓને સુચના આપવી જોઇએ.અહી તો ખુદ મુખ્યમંત્રી ઉગ્ર થઇ ગયા અને ઉગ્ર પ્રતિભાવ આપ્યો હતો. 

સ્પેશ્યલ એજન્ડાથી આવ્યા છો બેન...

મુખ્યમંત્રીનો મિજાજ ગયો..સ્પેશ્યલ એજન્ડાથી આવ્યા છો બેન...

મુખ્યમંત્રી-- સ્પેશ્યલ એજન્ડાથી આવ્યા છો બેન... અત્યારે તમે બેસી જાવ, મને મળો શાતિથી.. સ્પેશ્યલ એજન્ડાથી આવ્યા છે. અત્યારે બેસી જાવ.. તમે મળીને જજો..તમને મળાવશે.. તમે એજન્ડાથી આવ્યા છો. 

મહિલાઓ-- તમને મળવા દેતા નથી..દોઢ વર્ષથી અમે ધક્કા ખાઇએ છીએ...

મુખ્યમંત્રી-- એવું ના હોય બેન ...આના પર ધ્યાન ના આપતા..તેઓ સ્પેશયલ એજન્ડાથી આવેલા છે. (લોકોનો તાળીઓનો ગડગડાટ..) કોઇ પણ મુશ્કેલી હોય તો આપણે કોઇને રોકતા નથી. ઘણા મળવા આવે છે પણ કોઇ પ્રોગ્રામમાં આવ્યા હોય અને ત્યારે રજૂઆત કરવી તે સંસ્કારી નગરીને શોભે નહી. આવી પદ્ધતીથીમાંથી બહાર નીકળવું જોઇએ. મીડિયામાં જે પણ નેગેટીવ હોય પણ મેં અધિકારીઓને કહ્યું છે કે ચેક કરો અને તાત્કાલીક સુધારો કરાવો...

વડોદરાના સ્થાનિક નેતાઓ સાંભળતા નથી એટલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત...

મુખ્યમંત્રીના આજના કાર્યક્રમમાં જે કંઇ થયું તે જોતાં વડોદરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને આઇબી નાપાસ થઇ ગયું છે. વાસ્તવમાં વડોદરાની જનતા હવે સ્થાનિક નેતાઓથી કંટાળી છે કારણ કે વડોદરાનો એક પણ નેતા લોકોનો અવાજ કે સમસ્યા સાંભળતો જ નથી. તેથી જનતાએ છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવી પડે છે. હવે તો વડોદરાના નેતાઓથી મુખ્યમંત્રી, પ્રદેશ સંગઠન અને છેક દિલ્હી હાઇકમાન્ડ પણ પરેશાન થઇ ગયું છે કારણ કે વડોદરાના નેતાઓએ વડોદરાની જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. વડોદરાના નેતાઓએ કરેલી ભુલોને મુખ્યમંત્રી સહિત તમામને ભોગવવી પડે છે. આ ઘટનાની નોંધ પ્રદેશ સુધી લેવાય છે. વડોદરાથી મંત્રીમંડળમાં આ વખતે પણ કોઈને મંત્રી પદ નહીં મળે એ નિશ્ચિત હોય તેમ લાગી રહ્યું છે.


 સીએમ, કોઇ અધિકારીને ચેક કરવા મોકલો, સ્માર્ટ સિટી વડોદરાનો પરપોટો ફુટી જશે...

આજે યોજાયેલા કાર્યક્રમ અંગે સ્થાનિક અખબારોમાં કોર્પોરેશને મોટી જાહેરાતો આપી હતી. જાહેરાતમાં પહેલીવાર મેયર,ડે.મેયર, ચેરમેન અને કમિશનરના ફોટા જ ન હતા. નિમંત્રકમાં માત્ર વડોદરા મ્યનિસીપલ કોર્પોરેશન એટલું જ લખવામાં આવ્યું હતું. પહેલીવાર જાહેરાતમાં કોર્પોરેશનના પદાધીકારીઓને જગ્યા અપાઇ ન હતી.એક બાજુ પાલિકા અને બીજી બાજુ વડોદરા સ્માર્ટ સિટીના લોગો મુકાયો છે. મુખ્યમંત્રીને કદાચ વડોદરાની ખબર નહીં હોય પણ સ્માર્ટ સિટીના બણગાં ફૂંકતા વડોદરા કોર્પોરેશનના સ્માર્ટ સિટીના 54 પ્રોજેક્ટની કોઇ અધિકારીને મોકલીને તપાસ કરાવો તો વડોદરાના શાસકોના દાવાનો પરપોટો ફૂટી જશે. સ્માર્ટ સિટીના મોટાભાગના પ્રોજેક્ટ શાસકોના કારણે ફેઇલ ગયા છે,માત્ર કાગળ ઉપર બતાવાયા છે.કરોડોની રકમ સ્વાહા થઈ ગઈ છે.વિશ્વામિત્રી પ્રોજેક્ટ પણ ફેઇલ જશે.1200 કરોડનો આ પ્રોજેક્ટનો ખર્ચ પણ પાણીમાં જવાનો છે. આ વખતે પણ શહેરીજનો પૂર નાં ભોગ બને તો નવાઈ નહીં.


વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીના પૂરથી બચાવવા માટે ચાલી રહેલા રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા મંગલ પાંડે બ્રિજ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે વિશ્વામિત્રી નદીની વહન ક્ષમતા વધારવા માટે કરાયેલા કામો નિહાળ્યા હતા. મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી અને તેમાં વડોદરા શહેરને પૂરથી બચાવવા તથા કેઈચ ધી રેઇન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સિંચાઇ વિભાગ, મહાપાલિકા દ્વારા કરાયેલા આયોજનની તલસ્પર્શી વિગતો મેળવી હતી. આ બેઠકમાં એવી વિગતો રજૂ થઇ કે, શહેરમાંથી વહેતી વિશ્વામિત્રી નદીનાં કુલ ૨૪.૭ કિમી લંબાઈમાં અંદાજે ૧૫.૪૦ લાખ ઘન મીટર માટી હટાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. કામને ઝડપી અને અસરકારક રીતે આગળ વધારવા માટે ૨૪૦થી વધુ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા દરરોજ ૨૨૦૦૦ થી ૨૫૦૦૦ ઘન મીટર કામ કરવામાં આવી રહ્યું છે. કુલ ૯૦૦૩૭૦ ઘન મીટર એટલે કે ૫૮ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સમગ્ર કામને તેના આરંભથી ૧૦૦ દિવસની અંદર, એટલે કે ૧ જૂન ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર નદી પ્રવાહને ચાર મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડોદરા શહેરને પૂરના પાણીથી બચાવવા માટે રાજ્ય સરકાર તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.



શહેરને વિશ્વામિત્રી નદીના પૂરની આપદાથી કાયમી મુક્તિ અપાવવા વહન ક્ષમતા બમણી કરાઇ રહી છે...


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મહાનગરપાલિકાના રૂ. ૧૧૫૬ કરોડના વિવિધ જનસુખાકારી અને જનસુવિધાના ૮૬ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા જણાવ્યું કે, વડોદરા ઝડપથી વિકસતું શહેર છે. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પૂરથી શહેરીજનોને કાયમી મુક્તિ અપાવવા માટે શરૂ કરવામાં આવેલા અભિયાન હેઠળ નદીની વહન ક્ષમતા બમણી કરવામાં આવી રહી છે. વડોદરા વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે, તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે,દિલ્હી મુંબઈ ગ્રીન એક્સપ્રેસ વે, અમદાવાદ મુંબઇ બૂલેટ ટ્રેઇન પણ વડોદરામાંથી પસાર થવાની છે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સ્પેનની ભાગીદારીથી અહીં સી – ૨૯૫ એરક્રાફ્ટ ઉત્પાદન એકમ શરૂ કરવામાં આવ્યું છે. જે વડોદરાને વિશ્વના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ નકશા ઉપર અંકિત કરે છે. તેમણે કહ્યું કે, ગુજરાતે ૨૦૪૭ સુધીનો વિકસિત ગુજરાત રોડ મેપ અર્ન વેલ, લિવ વેલના બે મુખ્ય પાયા ઉપર તૈયાર કર્યો છે. વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવાના અભિયાનમાં આપણે સૌએ પોતાનું યોગદાન આપવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરકારી યોજનાઓના કેન્દ્ર સ્થાને નાનામાં નાની વ્યક્તિને રાખી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં આઠ લાખથી વધુ આવાસોનું નિર્માણ કરી ગરીબ પરિવારને અર્પણ કરવામાં આવ્યા છે, તેવી વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યની સ્થાપનાના ૭૫ વર્ષ એટલે કે હિરક જયંતી વર્ષ મહોત્સવ તરફ આગળ વધી રહ્યું છે. જે સંદર્ભમાં વર્ષ ૨૦૨૫થી ૨૦૩૫ના દાયકાને ઉત્કર્ષ ગુજરાત હિરક જયંતી મહોત્સવ તરીકે ઉજવવાનો રોડ મેપ તૈયાર કર્યો છે. વર્ષ ૨૦૪૭માં દેશની આઝાદીની શતાબ્દિ ઉજવીએ ત્યાં સુધીના કર્તવ્યકાળમાં ગુજરાતને અગ્રેસર બનાવવાનું છે.

વિશ્વામિત્રીમાં ઠલવાતા ગંદા પાણી અંગે યોગેશ પટેલની રજૂઆત...


મુખ્યમંત્રી કાર્યક્રમ પૂરો થયા બાદ નાદુરસ્ત સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલની ખબર પૂછવા તેઓના અમદાવાદી પોળ ખાતેના નિવાસસ્થાને આવ્યા હતા. મુલાકાત દરમિયાન ધારાસભ્યએ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહેલા દૂષિત પાણી બંધ કરાવવા માટે રજૂઆત કરી હતી. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ખબર પૂછવા માટે આવ્યા હતા. તેઓને મેં વિશ્વામિત્રી નદીમાં ચાર વિધાનસભા વિસ્તારમાંથી પાલિકા અને લોકો દ્વારા છોડાતા દૂષિત પાણી બંધ થાય તેવો પ્રોજેક્ટ હાથ ધરવા માટે રજૂઆત કરી છે. આ ઉપરાંત અમદાવાદથી ભરુચ સુધીના નર્મદા મુખ્ય કેનાલના કિનારાના ગામોના તળાવોમાં નર્મદા કેનાલમાંથી પાણી આપીને ભરવા માટેની રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ બંને રજૂઆત બાબતે હૈયાધારણ આપી છે.


સરકાર ન્યાય અપાવવાનું વચન ભુલી ગઇ છે...


જે પીડિત પરિવારો છે તે પૈકી 2 માતા આજે હોલમાં પહોંચી હતી અને ચાલુ કાર્યક્રમે તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તમામ પીડિત પરિવારે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને મળવા અથાગ પ્રયાસો કર્યા છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ વચન આપ્યું હતું કે જે સંડોવાયેલા છે તેમને છોડાશે નહી. પોલીસ અને કલેક્ટરે તપાસ કરી તેમાં બનાવના 20 આરોપીઓ સામે કાર્યવાહી થઇ પણ મહાનગરપાલિકામાં થયેલો ભ્રષ્ટાચાર જ આ બનાવમાં કારણભૂત છે. હાઇકોર્ટે પણ આદેશ કર્યો હતો કે તત્કાલિન કમિશનર વિનોદ રાવની સંડોવણી જણાઇ આવે છે અને દસ્તાવેજોમાંથી પણ સ્પષ્ટ થયું હતું.એચ.એસ.પટેલની પણ ચોક્કસ ભૂમિકા હતી.ભ્રષ્ટાચારીઓનાં આતંકથી બાળકોનો ભોગ લેવાયો હતો. હાઇકોર્ટે તે વખતના મ્યુનિ.કમિશનર વિનોદ રાવ સામે એક્શન લેવા આદેશ કર્યો હતો. વાલીઓએ તમામ વિભાગોમાં ફરિયાદો આપી છે ભ્રષ્ટાચારની પણ સરકાર વચન ભુલી ગઇ છે. અને તેથી પીડિતોએ આ પ્રયાસ કર્યો છે. અગાઉ પણ રાજકીય કાર્યક્રમ પહેલા પડિતોને હાઉસ એરેસ્ટ કરાયા હતા. સરકાર દ્વારા ભ્રષ્ટાચારીઓને બચાવાઇ રહ્યા છે. હાઇકોર્ટના આદેશ મુજબ ખાતાકીય તપાસ કરીને મ્યુનિ.કમિશનર વિનોદ રાવ સામે કોઇ એક્શન લેવાયા નથી. પીડિત પરિવારોને રજૂઆતો માટે બોલાવાયા નથી. પીડિતોનો વિશ્વાસ સરકાર પરથી ડગમગ્યો હતો. વિપક્ષા નેતા રાહુલ ગાંધીને પણ પીડિતોને મળવા દેવાયા ન હતા. પીડિતોને ન્યાયથી સરકારે વંચીત રાખ્યા છે ત્યારે જાહેર મંચ જ્યાં મળશે ત્યાં આ વાલી પીડિતો ન્યાય માટે જશે. આજે જે બનાવ બન્યો તેવા વડોદરામાં તમામ રાજકિય કાર્યક્રમોમાં પીડિતો ન્યાયની લડત લડવા જશે. 


હિતેશ ગુપ્તા, પીડિત પરિવારના વકીલ 

તમે પ્રોટોકોલ ભંગ કરીને અમારા છોકરાની હત્યા કરી તે તેમને દેખાતું નથી...

તેમને પ્રોટોકલ તુટ્યો એટલે ધરપકડ કરી. તમે પ્રોટોકોલની પડેલી હોય તો તમે પહેલા કેમ એક્શન ના લીધા. તેમને પ્રોટોકોલ તુટ્યો તે વાતની વધારે પડી છે અને મારી વાતની તેમને પડી નથી. તમારા વકીલને મારા જોડે વાત કરાવજો. તમે પહેલીવાર કહ્યું કે ચમરબંધીને નહી છોડાય. દોઢ વર્ષથી હું માંગ કરી રહી છું પણ મને લાગતું નથી કે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી પણ અમને ન્યાય નહીં મળે. તમે પ્રોટોકોલ ભંગ કરીને અમારા છોકરાની હત્યા કરી તે તેમને દેખાતું નથી. 

સરલા શિંદે, પીડિત માતા


કોર્પોરેશનની ચૂંટણીની અત્યારથી તૈયારીઓ કરી દીધી લાગે છે...

મુખ્યમંત્રીએ આજે પોતાના ભાષણમાં કહ્યું કે અત્યારે વિકાસને આગળ દોડાવાનો છે, અત્યારે સૌથી વધુ વિકસીત કોઇ શહેર હોય તે વડોદરા છે. આ વાક્ય સાંભળીને હોલમાં બેઠેલા ભાજપના કાર્યકરોએ તાળીઓ પાડી હતી પણ વડોદરાનો દરેક નાગરિક જાણે છે કે વડોદરાની શું સ્થિતી છે. અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોના મુકાબલે પણ વડોદરા ક્યાંય નથી. વડોદરામાં પ્રાથમિક સુવિધાઓથી પણ પ્રજા વંચીત છે. પીવાના પાણીની સમસ્યા, રસ્તા પર ખાડા, ઠેર ઠેર ગંદકી, ચોમાસામાં છાશવારે આવતું પૂરથી પ્રજા પીડિત છે. વડોદરાનું સ્થાન પહેલા નંબરે હોય તેવું ક્યાંય દેખાતું નથી. વડોદરાવાસી પણ વિચારતો થઇ ગયો કે મુખ્યમંત્રી આવું કેમ બોલ્યા..કદાચ કોર્પોરેશનની ચૂંટણીની અત્યારથી તૈયારીઓ કરી દીધી લાગે છે.

પોલીસ, પાલિકાની આબરૂ જતાં બંને મહિલા અને પતિઓની પોલીસે ધરપકડ કરી...

મુખ્યમંત્રીના વકતવ્ય સમયે હરણી તળાવમાં પાલિકાના પાપે ડૂબનાર 12 માસૂમ બાળકો પૈકી બે ની માતાઓએ સવાલ પૂછતાં સાલસ મુખ્યમંત્રી કોપાયમાન થયા હતા. મુખ્યમંત્રીએ બે મહિલાઓ અલગ એજન્ડા લઇને આવી હોવાનું કહેતાં ક્લિપ વાયરલ થઇ. .પોલીસ, પાલિકાની આબરૂ જતાં બંને મહિલા અને પતિઓની પોલીસે ધરપકડ કરી હતી. પહેલાં મહિલાઓને બાપોદ પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી જ્યા મીડિયાને અટકાવાયું હતું. બાદમાં ચારેયને ષડયંત્રના એંગલથી એજન્ડા શોધવા ક્રાઇમ બ્રાંચ લવાતાં હિતેશ ગુપ્તા વહારે આવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ ૠત્વિજ જોશીએ તાનાશાહીભર્યા પગલાંનો વિરોધ છે. મહેન્દ્રસિંહ રાઠોડ પણ પહોંચ્યા તો પાછલા બારણે પોલીસ ચારેયને લઇ અન્યત્ર રવાના થઇ હતી. જ્યારે મહિલાઓએ ઉભા થઇ પ્રશ્ન પૂછ્યા ત્યારે પોલીસ બળજબરીપૂર્વક બંનેને બહાર લઇ ગઇ. મુખ્યમંત્રીએ આપેલા વચન મુજબ સ્ટેજ પાછળ રજૂઆત સાંભળી હતી. ક્રાઇમ બ્રાંચ પાછલે બારણેથી બંને પરિવારોને કાઢી એમના ઘરે મૂકી આવી હતી.

 મીડિયા સાથે ઘર્ષણ થયું...


કાર્યક્રમ બાદ અટકાયત કરાયેલી મહિલાના પતિએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો. તે સમયે પોલીસનું મીડિયા સાથે ઘર્ષણ થયું હતું. વડોદરા ભાજપની જૂથબંધીથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્ઞાત છે. કરોડોના કટ મનીની ઉઘરાણી વર્તમાન ૬૯ કાઉન્સિલરો પૈકી માંડ છ સાતના રીપિટેશનની શક્યતા..બાકી કપાશે એવું સમજે છે. પાલિકામાં એક માત્ર આશિષ જોશી જ ઝઝૂમી રહ્યા છે. કચરો હોય કે હરણી બોટ કાંડ હોય કે પૂર હોય કે પાણીની સમસ્યા ..તેમાં આશિષ જોશી જ પ્રજાની પડખે છે. શું ષડયંત્રનો આરોપ મૂકી આશિષને ટાર્ગેટ કરવાનું આ ષડયંત્ર છે?


તમે જાહેરાત આપીને કાર્યક્રમમાં બોલાવ્યા હતા...


એ લોકો 16 મહિનાથી રજૂઆત કરે છે. અગાઉ પણ સીએમને મળવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને સર્કીટ હાઉસ કાઢી મુક્યા હતા. તેઓ મારા સંપર્કમાં 16 મહિનાથી છે. તમામ તહેવારો અમે સાથે કરેલા છે. હું તેમની લીગલ કાર્યવાહી સાથે સંકળાયેલો છું, તમે પૈસા ના આપો અને સ્કૂલ પર કે વીએમસીના અધિકારી પર કોઇ એક્શન નથી લેતા અને તેમને ન્યાય મળ્યો નથી. પહેલાં જ મળવા દેવાયું હોત તો આ પ્રશ્ન ઉભો ના થયો હોત. મારી એટલી પહોંચ નથી. આજે તો કોર્પોરેશને તમામ પેપરમાં જાહેરાત આપી હતી અને જાહેર આમંત્રણ આપી તમે જ બોલાવ્યા છે તો લખવું હતું કે બોટ કાંડ સિવાય ના એ આવવું . એ લોકો મૃદુ ભાષામાં જ બોલ્યા છે. કોઇ અસભ્ય વર્તન કર્યું નથી.. એ તો જેણે ગુમાવ્યું હોય તેને ખબર પડે ..કે તે કઇ રીતે જીવે છે. શહેરની પાંગળી નેતાગીરી છે. જો ધારાસભ્યો પહેલાં જ આ 14 જણને મુખ્યમંત્રી પાસે લઇ ગયા હોત તો આ દિવસ ના આવત. ક્રાઇમ બ્રાન્ચને આજે ખબર પડી કે આશિષ જોશી તેમની સાથે છે પણ હું તો 16 મહિનાનું છે. પક્ષને પણ ખબર છે અને મને તેથી નોટિસ આપેલી છે. તેઓ મારા વોર્ડના છે. કોઇનું બાળક ગયું છે તેમાં કોઇ એજન્ટ ના હોય. આ તંત્રની ભુલ થઇ છે કે આપણે તેને સાંત્વના પણ આપી નથી. દરેક માણસને લોકશાહીમાં રજૂઆત કરવાનો હક છે. તમે આમંત્રણઁ આપીને બોલાવ્યા હતા તેમાં મારે શું લેવા દેવા..

આશિષ જોશી, કોર્પોરેટર


મોબાઈલને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર...

કાર્યક્રમમાં એક તબક્કે મુખ્યમંત્રી હળવા મૂડમાં પણ જણાયા હતા અને અત્યારે મોબાઇલ ફોન કેટલો હાવી થઇ ગયો છે તે વિશે માર્મીક ટકોર પણ કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે અહીંયા બધા મોબાઈલમાં વ્યસ્ત છે. આપણે જ મોબાઈલમાંથી બહાર નથી નીકળી શકતા.. જેટલું જેવું હોય તે જોયા જ કરો. આપણે તેમાંથી બહાર નિકળી શકતા નથી તો આપણા છોકરાઓને કઇ રીતે બહાર કાઢીશુ. એક ટાઇમ સ્લોટ નક્કી કરવો જોઇએ. જે વિશે વિચારવું જરુરી છે. સરકાર જો રિસ્ટ્રીક્શન લાવશે તો પાછા તમે બધા જ ઉભા થઇ જશો....

Reporter: admin

Related Post