વડોદરા : ભરૂચ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભરૂચ તાલુકાના પાદરિયા ગામ નજીક વીજળી પડતા 3 લોકોના મોત થયા હતા.જ્યારે હાંસોટમાં પણ વીજળી પડતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાં ગઈકાલે રવિવારે સમી સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ભરૂચ તાલુકાના પાદરીયા ગામ નજીક વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા 7 જેટલા યુવાનો પર વીજળી પડી હતી.જેમાં 3 યુવાનના મોત, જ્યારે 2 દાઝી જતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ત્રણ મૃતકોમાં બે ચોરંદા ગામના અને એક કરણ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.વીજળી પડવાની વધુ એક ઘટના હાંસોટ તાલુકામાં પણ બની હતી. હાંસોટ તાલુકાના અંભેટા ગામ નજીકથી પસાર થઈ રહેલા માછીમારો પર વીજળી પડી હતી જેમાં હાસોટની નવીનગરીમાં રહેતા 28 વર્ષીય સુનીલ વસાવાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય માછીમારો દાઝી જતા તેઓને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની તપાસ હાંસોટ પોલીસ ચલાવી રહી છે.
Reporter: admin