વડોદરા જિલ્લાના ૪૯૧૬ લાભાર્થીઓએ મેળવ્યા ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનના વિવિધ લાભો

આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વડોદરા જિલ્લામાં ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે. જિલ્લામાં આદિવાસી કલસ્ટરમાં તા. ૧૭/૦૭/૨૦૨૫ સુધી અલગ અલગ સ્થળોએ કુલ ૨૯ જેટલા કેમ્પ યોજાયા હતા. આ અભિયાન થકી અનેક આદિવાસી સમાજના લોકોને ઘર આંગણે જ સરકારની વિવિધ સેવાઓનો લાભ પહોચ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૨૩/૦૬/૨૦૨૫ થી ૧૭/૦૭/૨૦૨૫ દરમિયાન આદિવાસી વસ્તી ધરાવતા ૮ તાલુકામાં ૨૯ કેટલા કેમ્પ યોજાયા હતા. કેમ્પના સ્થળે જ ૪૯૧૬ જેટલા નાગરિકોએ સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ મેળવ્યો હતો.

આ કેમ્પમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા તેમના વિભાગ હસ્તક ચાલતી યોજનાઓ વિશે નાગરિકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં આરોગ્ય, પુરવઠા, ગ્રામીણ વિકાસ, સમાજ કલ્યાણ, ખેતીવાડી, મહેસૂલ, પંચાયત સહિતના વિભાગો દ્વારા આદિવાસી સમુદાયના લોકો માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી જનધન ખાતા, દિવ્યાંગ પેન્શન, મનરેગા, મુદ્રા લોન, પીએમ વિશ્વકર્મા યોજના, આંગણવાડીના મળીને કુલ ૪૯૧૬ લાભો અર્પણ કરાયા હતા. આ સાથે ક્ષય અને સીકલ સેલ એનિમિયાની પણ તપાસ કરવામાં આવી હતી.ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત હજારો આદિવાસી નાગરિકોએ ઘર આંગણે સરકારશ્રીની યોજનાઓના લાભ મેળવ્યા હતા.


Reporter: admin







