શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે તા.૨૪ મેથી તા.૨૬મે સુધી ત્રિદિવસિય શ્રી સહજાનંદી બાળયુવા શિબિરનું ભવ્ય આયોજન મંદિર દ્વારા કરવામાં આવેલ છે. આ શિબિરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ૫,૦૦૦ ઉપરાંત બાળકો શિબિરનો લાભ લેશે.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે બાળકોમાં સત્સંગના ગુણ આવે તે માટે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા દરવર્ષે ઉનાળાના વેકેશનમાં બાળ શિબિરનું છેલ્લા ૭ વર્ષથી આયોજન કરવામાં આવે છે. શિબિર અંતર્ગત વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. જેવા કે સવારે પ્રભાતફેરી, યોગ-પ્રાણાયામ, માતૃ-પિતૃવંદના, ગૌપૂજન, રમતોત્સવ, સમૂહપૂજા, તથા સંતો દ્વારા સંસ્કાર પ્રેરક કથાવાર્તા અને રાસોત્સવ રાખવામાં આવે છે.
ત્રિદિવસીય શિબિરમાં બાળકોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય થાય અને ધાર્મિક સંસ્થાઓનું સિંચન થાય તેવા શુભ ઉદ્દેશથી ૭ વર્ષ અગાઉ શાસ્ત્રીસ્વામી નારાયણચરણદાસજી (બુધેજવાળા) એ સહજાનંદી યુવા શિબિરની સ્થાપના કરી હતી. આ શિબિર આજે ૮મા વર્ષે મંગલ પ્રવેશ સાથે ફાલી ફુલીને એક વટવૃક્ષ સમાન બની ગઇ છે. આ શિબિરમાં ચરોતર, વાકળ, કાનમ, કાઠીયાવાડ ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ૫,૦૦૦થી વધુ બાળકો શિબિરમાં ભાગ લેવા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. સમગ્ર શિબિરનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામીએ કર્યું છે. સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી સંભાળી રહ્યા છે.
Reporter: News Plus