દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એવો આરોપ છે કે દિલ્હીના મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતી માલીવાલે નિયમો વિરુદ્ધ મંજૂરી વગર જ આ લોકોની નિમણૂક કરી હતી. આ કાર્યવાહીને કારણે ફરી એકવાર દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ખેંચતાણ વધી શકે છે. જોકે કેજરીવાલ હાલ જેલમાં હોવાથી આ મામલે હવે શું પ્રતિક્રિયા જોવા મળે છે તે જોવાની રહી.
આ મામલે આરોપ છે કે જ્યારે સ્વાતિ માલીવાલ ડિપાર્ટમેન્ટ ઓફ વૂમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટના ચેરપર્સન હતા ત્યારે તેમણે સરકારની જરૂરી પરવાનગી લીધા વિના જ નિયમો વિરુદ્ધ જઈને આ લોકોની નિમણૂક કરી હતી. ડીસીડબ્લ્યૂ પર ડીસીડબ્લ્યૂ એક્ટ 1994 અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સ એન્ડ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો હતો. તેમાં કહેવાયું કે આટલી મોટી સંખ્યામાં લોકોને કામ પર રાખવા માટે કોઈ જરૂરી સ્ટડી પણ કરવામાં આવી નહોતી. કોઈ વહીવટી પરવાનગી નહીં અને ખર્ચની મંજૂરી પણ નહોતી લેવાઈ.
Reporter: News Plus