વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી કે, હરણી પોલીસ સ્ટેશનના છેતરપિંડી ગુનામાં નાસતો ફરતો આરોપી મોહંમદ અરસદ મુસ્તાકઅલી પઠાણ (રહે. 111, રોશન પાર્ક, ડી-કેબીન રોડ, નવાયાર્ડ, વડોદરા) તેના મિત્રને મળવા માટે વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસે આવવાનો છે. જેના આધારે SOGની ટીમે વોચ ગોઠવી હતી અને આરોપી મોહંમદ અરસદ મુસ્તાકઅલી પઠાણ આવતા જ તેને ઝડપી પાડ્યો હતો અને આરોપીને હરણી પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે.
આરોપી મોહંમદ અરસદ મુસ્તાકઅલી પઠાણ સામે અગાઉ જે.પી. રોડ પોલીસ સ્ટેશમાં પણ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત વડોદરાના સિટી પોલીસ સ્ટેશન, છોટાઉદેપુરના બોડેલી પોલીસ સ્ટેશન અને ભરૂચ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે.
આરોપી મોહંમદ અરસદ મુસ્તાકઅલી પઠાણ અલગ-અલગ વાહન માલિકો પાસે તેમના વાહનના ભાડા કરાર કરીને નાણા આપવાનું નક્કી કરતો હતો, પરંતુ ભાડાની ગાડી મેળવીને નક્કી કરેલુ ભાડુ આપતો નહોતો અને ગાડીઓ લઇ લેતો હતો. આરોપી સોશિયલ મીડિયા અને પેપરમાં જાહેરાત આપીને સેલ્ફ ડ્રાઇવ માટે ગાડીઓ મેળવી લેતો હતો અને ગાડીઓમાંથી GPS કાઢી લેતો હતો અને તેને 15થી વઘુ ગાડીઓની કંપનીઓ સાથે છેતરપિંડી કરી છે. વાહન માલિકોએ ખરાઇ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ગાડીઓ સગેવગે કરીને ખોટા વ્યક્તિના નામનો બનાવટી દસ્તાવેજને સાચા તરીકે ઉપયોગ કરતો હતો અને સહ આરોપીઓ સાથે મળીને ગુનાને અંજામ આપતો હતો.
...
Reporter: News Plus