વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 માં સામાન્ય કરના 8.90 લાખ વેરા બિલ લોકોને બજાવવામાં આવ્યા હતા. જેમાં કોમર્શિયલ અને રહેણાંક બિલોનો સમાવેશ થતો હતો.
શહેર વિસ્તારમાં નવા બાંધકામ અને રિવિઝન આકારણી થતા 25 કરોડની ડિમાન્ડ સાથે 20,000 નવા વેરા બિલ આપવામાં આવ્યા હતા.ગત નાણાકીય વર્ષમાં દક્ષિણ ઝોનની રિવિઝન આકારણી હાથ ધરવામાં આવી હતી, અને આ કામગીરી પૂર્ણ થતા હવે પૂર્વ વિસ્તારમાં રિવિઝન આકારણીનું કામ હાથ ધરાશે. ગયા વર્ષે વાહન વેરાની આવકનો બજેટ લક્ષ્યાંક 45 કરોડ હતો, તેની સામે 51.20 કરોડની વસૂલાત થઈ છે. જ્યારે વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક 61 કરોડ હતો, તેની સામે 69.19 કરોડની વસુલાત કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષમાં કોર્પોરેશનનો સામાન્ય કરની આવકનો લક્ષ્યાંક 724 કરોડ હતો. જેની સામે 713.19 કરોડની આવક મળી હતી.
આ રકમમાં મિલકતવેરાની આવક આશરે 590 કરોડ છે. પાછલા બાકી વેરાની વસુલાત થાય તે માટે પાછલા બાકી વેરા પર ચડેલા વ્યાજમાં રાહત આપવા કોર્પોરેશન દ્વારા વ્યાજ વળતર યોજના લાવવામાં આવી હતી, જેનો 52 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો. કોર્પોરેશનના વર્તુળોના કહેવા મુજબ વર્ષ 2003-04 પહેલાના બાકી વેરામાંથી 15 લાખની વસુલાત થઈ છે, જ્યારે એ પછીના વર્ષથી અત્યાર સુધીમાં બાકી રહેલા વેરા પૈકી 81.25 કરોડ વસૂલ થઈ ચૂક્યા છે, એટલે કે પાછલા બાકી વેરામાંથી કુલ મળીને 81.40 કરોડની વસુલાત કરવામાં આવી છે. બાકી રહેલી વસુલાતમાં કોર્ટ કેસ, વિવાદિત મિલકતો, ઘર બંધ હોવા વગેરેના બિલોનો સમાવેશ થાય છે.
Reporter: admin







