News Portal...

Breaking News :

લોકસભાચૂંટણીમાં 1461.73 કરોડની જપ્તી ગુજરાતમાંથી કરવામાં આવી!!

2024-05-19 11:34:52
લોકસભાચૂંટણીમાં 1461.73 કરોડની જપ્તી ગુજરાતમાંથી કરવામાં આવી!!


નવી દિલ્હી લોકસભા ચૂંટણીમાં પહેલા ચાર તબક્કામાં કુલ 23 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો અને 543માંથી 379 બેઠકો પર ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આવા સમયે ચૂંટણી પંચે દેશમાં અત્યાર સુધીમાં રોકડ અને કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂ. 8889 કરોડની જપ્તી કરી છે, જેમાં રૂ.3959 કરોડના મૂલ્યના ડ્રગ્સનો સમાવેશ થાય છે તેમ ચૂંટણી પંચે શનિવારે જણાવ્યું હતું.

 ચૂંટણી પંચે ઉમેર્યું હતું કે, ઈન્ટેલિજન્સ આધારિત સંકલિત કાર્યવાહીના પગલે દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ઐતિહાસિક પ્રમાણમાં વસ્તુઓ જપ્ત કરાઈ છે, જેમાં ગુજરાત રૂ. 1462 કરોડ સાથે ટોચ પર છે.



ચૂંટણી પંચે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીના બાકીના તબક્કામાં એટલે કે 4 જૂન સુધીમાં જપ્તીનો આંકડો રૂ. 9000 કરોડને પાર થઈ જવાની સંભાવના છે. ચૂંટણી પંચના અધિકારીઓએ અત્યાર સુધીમાં જે જપ્તી કરી છે તેમાં 45 ટકા એટલે કે અંદાજે રૂ. 3958 કરોડના મૂલ્યનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સિવાય ચૂંટણી પંચે રૂ. 2006.56 કરોડના મૂલ્યની 'મફત રેવડી' (લ્હાણી)ની વસ્તુઓ જપ્ત કરી છે. ગુપ્ત બાતમીના આધારે સંયુક્ત કાર્યવાહી, સાતત્યપૂર્ણ સમીક્ષા અને ઈએસએમએસ દ્વારા રિયલ ટાઈમ નિરીક્ષણના કારણે ઐતિહાસિક જપ્તી થઈ શકી છે.

ચૂંટણી પંચ મુજબ દેશમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સૌથી વધુ રૂ. 1461.73 કરોડની જપ્તી એકલા ગુજરાતમાંથી કરવામાં આવી છે જ્યારે રાજસ્થાન રૂ. 1132.82 કરોડ સાથે બીજા ક્રમે છે. ત્યાર પછી પંજાબમાંથી રૂ. 734.54 કરોડ, મહારાષ્ટ્રમાંથી રૂ. 685.81 કરોડ અને દિલ્હીના એનસીટીમાંથી રૂ. 653.31 કરોડની જપ્તી કરવામાં આવી છે.


ચૂંટણી પંચે જણાવ્યું કે, 'ડ્રગ્સ, દારૂ, કિંમતી ધાતુો, મફત ભેટ-સોગાદો(લ્હાણી) અને રોકડ અલગ અલગ સ્તર પર ચૂંટણી પર અસર કરે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષરૂપે મતદારોને લાલચના સ્વરૂપમાં આપવામાં આવે છે જ્યારે રોકડનું ચલણ ઘટવાના કારણે અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. પરિણામે સરકારી એજન્સીઓની સક્રિય ભાગીદારીના માધ્યમથી ૧ માર્ચથી અત્યાર સુધીમાં રૂ. 8889 કરોડની જપ્તી કરવામાં ચૂંટણી પંચને સફળતા મળી છે.'

Reporter: News Plus

Related Post