સિડની : ચીને ફરી વિશ્વભરનું ટેન્શન વધાર્યું છે. વૈજ્ઞાનિકોના સંશોધન અને તપાસ મુજબ ચીનમાં બેટ કોરોના વાયરસ સહિત 36 નવા વાયરસો મળી આવ્યા છે.
તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ચીનમાં ફર ફાર્મના પ્રાણીઓમાં 125 વાયરસની ઓળખ કરવામાં આવી છે, જે માનવ વસ્તીમાં ફેલાઇ શકે તેવું જોખમ છે. આ અભ્યાસ પ્રકાશિત થયા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતા વધી ગઇ છે. સિડની યુનિવર્સિટીના જીવવિજ્ઞાની અને વાઈરોલોજિસ્ટ પ્રોફેસર એ.ડી.હોમ્સે ચીનમાં તેમના સાથી વિજ્ઞાનીઓ સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'ફર ફાર્મ્સ અમારા વિચાર કરતા વધુ ભયંકર ઝૂનોટિક બિમારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
સંશોધનમાં વિજ્ઞાનીઓને નોળિયા, શિયાળ, રેકૂન કુતરા, ગિનિ પિગ અને હરણ સહિતના પ્રાણીઓમાં આ ભયંકર વાયરસ મળી આવ્યા છે.સામાન્ય રીતે ચીનમાં અનેક સ્થળે આ પ્રકારની ફર ફાર્મિંગ થતી હોય છે અને તેમાં ભાગ્યે જ રોગ અંગે તકેદારી રાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ત્યારે પ્રોફેસર હોમ્સે કહ્યું કે, અમને સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે, આ પ્રાણીઓ વાયરસથી ભરેલા છે અને તેમાંથી કેટલાક વાયરસો અતિ ભયંકર કક્ષાના છે, જે એક ચિંતાનો વિષય છે.
Reporter: admin